અમેરિકામાં ગન કલ્ચરની ચિંતા વચ્ચે ફરી ફાયરિંગની ઘટના સામે આવી રહી છે. ઓક્લોહોમના તુલસા શહેરમાં બુધવારે એક હોસ્પિટલ પરિસરમાં આડેધડ ફાયરિંગમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા. ફાયરિંગમાં હુમલાખોર પણ માર્યો ગયો છે. CNNના રિપોર્ટ મુજબ બુધવારે તુલસા પોલીસને એવી સૂચના મળી કે સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલ પરિસરમાં બનેલી નતાલી મેડિકલ બિલ્ડિંગમાં ડોક્ટરની ઓફિસમાં એક વ્યક્તિ રાઈફલ લઈને ઘૂસ્યો છે. સૂચના મળતા જ પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી પરંતુ ત્યાં સુધીમાં તો હુમલાખોર ઘટનાને અંજામ આપી ચૂક્યો હતો. ફાયરિંગ કર્યા બાદ શૂટરે પોતાને પણ ગોળી મારી. હુમલાખોરની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.
સતત આવી ઘટનાઓને કારણે જો બાઇડેન ચિંતિત
આ સમગ્ર ઘટના સંદર્ભે તુલસા પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે સંદિગ્ધ યુવક પાસે એક લાંબી બંદૂક અને હેન્ડગન હતી. જો કે તેણે શા માટે હુમલો કર્યો તે જાણી શકાયું નથી. હુમલાખોરે હોસ્પિટલના બીજા માળે ઘટનાને અંજામ આપ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને પણ ઘટના અંગે જાણકારી આપવામાં આવી. રાષ્ટ્રપતિ સતત ઘટી રહેલી આવી ઘટનાઓથી ચિંતત છે. હાલમાં જ બાઈડેને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડન પાસે આવી ઘટનાઓને પહોંચી વળવા માટે સલાહ માંગી હતી.
અમેરિકામાં ફાયરિંગની ઘટનામાં વધારો
અમેરિકામાં હાલ ગનકલ્ચરનો ત્રાસ વધ્યો છે. ફાયરિંગની ઘટનાઓ સતત વધી રહી છે જે ચિંતાજનક છે. હાલમાં જ ન્યૂ ઓરલિયન્સની એક હાઈસ્કૂલના સ્નાતક સમારોહમાં ફાયરિંગમાં વૃદ્ધ મહિલાનું મોત થયું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા. આ અગાઉ ઉવાલ્ડે ટેક્સાસના રોબ એલિમિન્ટ્રી સ્કૂલમાં ઘટેલી ફાયરિંગની ઘટનામાં 19 માસૂમ સહિત 21 લોકોના મોત થયા હતા. હુમલાખોર અને તેની દાદી પણ ઘટનામાં માર્યા ગયા હતા.