પાલનપુર : ડીસાના થેરવાડા ગામે સમયસર વીજળીને મળતા ગ્રામજનોએ કરી ધારાસભ્યને રજૂઆત
પાલનપુર : ડીસા તાલુકાના થેરવાડા ગામે ગ્રામજનોને સિંગલ ફેજ તેમજ કૃષિ હેતુ માટે સમયસર વીજળી ન મળતા તેમજ વીજ કંપનીની ઝેરડા ઓફિસના અધિકારીઓ કોઈ કાર્યવાહી ન કરતા ગ્રામજનોએ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને રજૂઆત કરી હતી.
ડીસા તાલુકાના થેરવાડા ગામે છેલ્લા કેટલાક સમયથી વીજળી સમયસર આવતી નથી. જેમાં પણ સરકાર દ્વારા ગામડાઓને 24 કલાક સિંગલ ફેજ લાઈટ જ્યોતિગ્રામ યોજના હેઠળ આપવાની હોવા છતાં પણ થેરવાડા ગામને સિંગલ ફેજ વીજળી પણ મળતી નથી. જેથી બાળકોના અભ્યાસ પર તેમજ ગ્રામજનોને ખેતી અને પશુપાલન પર મોટી અસર થઈ રહી છે. ગ્રામજનોએ આ અંગે ઉત્તર ગુજરાત વીજ કંપનીની ઝેરડા કચેરી ખાતે વારંવાર રજૂઆતો કરેલી છે. જોકે વીજ કંપનીની ઝેરડા કચેરીના નાયબ ઇજનેર દ્વારા ગ્રામજનોને હડધૂત કરી યોગ્ય જવાબ આપતા નથી તેમજ વીજળી ન આવતી હોવા છતાં કોઈ કાર્યવાહી કરતા નથી. જેથી ગ્રામજનોએ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને આ અંગે લેખિત રજૂઆત કરી ગ્રામજનોને ઝડપથી સિંગલ ફેજ વીજળી તેમજ કૃષિ હેતુ માટેની વીજળી અપાવવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : પાલનપુર : ડીસાના ધરપડામાં સગા કાકાએ દુકાનની ભાગીદારીના પૈસા ન આપી ધમકી આપતા ફરિયાદ