પાલનપુર : ડીસાના ધરપડામાં સગા કાકાએ દુકાનની ભાગીદારીના પૈસા ન આપી ધમકી આપતા ફરિયાદ
- એગ્રોની દુકાનના ભાગીદારીના રૂપિયા 7 લાખ લેવાના નીકળતા હતા
પાલનપુર : ડીસા તાલુકાના ધરપડા ગામના યુવાનને એગ્રોની દુકાનના ભાગીદારીના રૂપિયા 7 લાખ આપવા બાબતે તેના સગા કાકા સહિત ત્રણ વ્યક્તિઓએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે ડીસા તાલુકા પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે.
આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના ધરપડા ગામે રહેતા નરેશજી રતુજી ઠાકોરનો ભાઈ કિરણ એગ્રો કંપનીમાં નોકરી કરતો હોય તેના કાકા બળવંતજી ઇશ્વરજી ઠાકોરે તેને જણાવેલ કે, આપણે જુનાડીસા ખાતે એગ્રોની દુકાન કરવી છે, અને તારા ભાઈ કિરણની એગ્રો કંપનીઓમાં ઓળખાણ સારી છે. જેથી તું અમારી સાથે ભાગીદારીમાં બેસ. આમ કહેતા તેઓએ ભાગીદારીમાં દુકાન ચાલુ કરી હતી.
જે પેટે બે લાખ રૂપિયા ભાગીદારી કરવા આપ્યા હતા. જેમાં દુકાન ચલાવવાની અને વિવિધ એગ્રો કંપનીઓને માલના પૈસા આપવાની જવાબદારી તેના કાકા ની હતી. જોકે તેના કાકા કંપનીઓને પૈસા ચૂકવતા ન હતા તેમજ ભાગીદારી કર્યા બાદ તેની સાથે પણ સારો વ્યવહાર ન રાખતા હોય તેઓએ ભાગીદારી છુટ્ટી કરવા જણાવી હિસાબ કરાવતા તેને કુલ રૂપિયા 7 લાખ લેવાના નીકલ્યા હતા. જેથી તેના કાકાએ તેને ત્રણ માસમાં ચૂકવી દેવાનું જણાવ્યું હતું.
જો કે ત્રણ માસ બાદ પણ આ પૈસા ન ચૂકવતા પૈસાની ઉઘરાણી કરતા એના કાકા જેમ તેમ બોલતા હતા. જેથી તેણે તેના કુટુંબીજનો તેમજ ગામના અગ્રણીઓને બોલાવી ગુરુવારે સમાધાન માટે બેઠક યોજતા તેના કાકા તેમનો દીકરો મોંટુજી બળવંતજી ઠાકોર લાકડી અને ખીલાસરી લઈ આવી તેમજ તેના કાકાના પિતા કપુરજી ઇશ્વરજી ઠાકોર ઘરમાં બંદૂક લેવા દોડી જેમતેમ ગાળો બોલવા લાગી તેના અને તેના ભાઈ ઉપર હુમલો કરી માર માર્યો હતો. જેથી સમાધાન માટે ભેગા થયેલા લોકોએ તેઓને છોડાવ્યા હતા. પરંતુ તેમના કાકા અને દીકરાએ આજ પછી પૈસા માગીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.જેથી આ અંગે તેને ડીસા તાલુકા પોલીસ મથકે ત્રણેય સામે ફરિયાદ નોંધવા લેખીત અરજી આપી હતી.
આ પણ વાંચો : પાલનપુર : ડીસા -રાધનપુર નેશનલ હાઇવે પર પુલ પર પડ્યું ગાબડું