રાજકોટઃ SOG પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી, પત્નીની આત્મહત્યાના કેસમાં 3 મહિના જેલ ભોગવી ચુક્યો છે
ગુજરાત પોલીસ અને ATS દ્વારા ડ્રગ્સ માફિયા વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી છે. રાજ્યમાંથી અવારનવાર પોલીસ દ્વારા ડ્રગ્સ સપ્લાય કરનારાઓની ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાંથી SOG પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી મળેલું મેફેડ્રોન ડ્રગ્સનું વજન કરતા મેફેડ્રોન 66.90 ગ્રામ થયું હતું. જેની બજાર કિંમત રૂ.6.69 લાખ થાય છે. પકડાયેલો આરોપી આ પહેલાં પોતાની પત્નીની આત્હત્યા કેસમાં 3 મહિનાની જેલ પણ ભોગવી ચુક્યો છે.
6.69 લાખની કિંમતનું મેફેડ્રોન પકડાયું
સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે એક શખ્સને મેફેડ્રોન સાથે ઝડપી લીધો છે. શહેરના મનહર પ્લોટ-2માં પાવન-2 કોમ્પ્લેક્સમાં રહેતો યોગેશ હસમુખ બારભાયા નામનો શખ્સ માદક દ્રવ્યોનું વેચાણ કરતો હોવાની એસઓજીના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચૌહાણને માહિતી મળી હતી. જે માહિતીના આધારે પીઆઇ જે.ડી.ઝાલા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.દરમિયાન ગત રાત્રીના માહિતી મુજબ યોગેશ બારભાયા ત્યાંથી પસાર થતા તેની પૂછપરછ કરી ખરાઇ કરી હતી. બાદમાં પોલીસે તેની પાસે રહેલા થેલાની તલાશી લેતા અંદરથી કોથળીમાં શંકાસ્પદ દ્રવ્ય મળી આવ્યું હતું. જેથી પોલીસે એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી શંકાસ્પદ દ્રવ્યની ખરાઇ કરતા તે મેફેડ્રોન હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે તેનું વજન કરતા મેફેડ્રોન 66.90 ગ્રામ થયું હતું. જેની બજાર કિંમત રૂ.6.69 લાખ થાય છે. પોલીસે યોગેશ પાસેથી મેફેડ્રોન, મોબાઇલ, રોકડા રૂ.3020 મળી કુલ રૂ.6.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. SOGએ આરોપી યોગેશને મુદ્દામાલ સાથે એ ડિવિઝન પોલીસના હવાલે કરી ફરિયાદ નોંધાવી છે.
પત્નીના આત્મહત્યા કેસમાં થઈ હતી ધરપકડ
એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા યોગેશની પૂછપરછ કરતા તે હેન્ડિક્રાફ્ટનો વેપાર કરે છે. પત્નીને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં તેની ધરપકડ બાદ જેલહવાલે કર્યો હતો.દરમિયાન તે ત્રણ મહિના પહેલા જેલમાંથી બહાર આવ્યા બાદ તે મુંબઇ ગયો હતો અને ત્યાંથી તે મેફેડ્રોન ડ્રગ્સ લઇ આવ્યો હોવાનું રટણ રટ્યું હતું. પોતાને પણ નશો કરવાની ટેવ હોવાનું તેમજ તે વેચાણ કરતો હોવાની પણ કેફિયત આપી છે. યોગેશ બારભાયાની કેફિયત બાદ તે રાજકોટમાં ડ્રગ્સ કોને કોને પૂરું પાડે છે, તેના પેડલર તરીકે કોણ કોણ કામ કરે છે, તે સહિતની વિગતો બહાર લાવવા એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.