પાટીદાર આંદોલન સમયે લાઈમલાઈટમાં આવેલા યુવા નેતા હાર્દિક પટેલ આજે ભાજપનો ભગવો ધારણ કરશે. જેને લઈને ગાંધીનગરમાં તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. ભાજપ પ્રવેશ પહેલાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક પટેલનું ઉત્સાહભેર સ્વાગતના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, પોસ્ટરમાં હાર્દિકનો યુવા હ્રદય સમ્રાટ તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ભાજપાના અધ્યક્ષના ફોટો પણ લગાવવામાં આવ્યો છે. પોસ્ટરનાં મારૂ ગુજરાત શ્રેષ્ઠ ગુજરાતનું સુત્ર પણ છે.
હાર્દિકે કર્યું ટ્વિટ
ભાજપમાં જોડાતા પહેલાં આજે સવારે હાર્દિક પટેલે એક ટ્વીટ કર્યુ છે. ટ્વીટમાં PM મોદીના નેતૃત્વમાં નાનો સિપાઈ બનીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજ હિતની ભાવનાઓની સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં નાનો સિપાઈ બનીને કામ કરીશ.
राष्ट्रहित, प्रदेशहित, जनहित एवं समाज हित की भावनाओं के साथ आज से नए अध्याय का प्रारंभ करने जा रहा हूँ। भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी जी के नेतृत्व में चल रहे राष्ट्र सेवा के भगीरथ कार्य में छोटा सा सिपाही बनकर काम करूँगा।
— Hardik Patel (@HardikPatel_) June 2, 2022
ભાજપમાં જોડાતા પહેલાં દેવદર્શન
હાર્દિકના ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ આજે સવારે 9 વાગ્યાથી શરૂ થઇ જશે.. તેઓ સવારે 9 વાગ્યે ઘરે દુર્ગાનો પાઠ કરશે, ત્યારબાદ તેઓ SGVP ગુરુકુલમાં સવારે 10 વાગ્યે શ્યામ અને ધનશ્યામ આરતી કરશે.
હાર્દિકની હઠ સામે ઝુક્યું ભાજપ
હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ અલગ-અલગ સમયે અલગ કાર્યક્રમમાં ભાજપમાં જોડાશે. શ્વેતા બ્રહ્મભટ્ટ 11 વાગ્યે તો હાર્દિક પટેલ 12 વાગ્યે ભાજપમાં જોડાશે. જો કે, આ પહેલાં બંનેને એક જ સમયે ભાજપમાં જોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બદલાવ થયો છે.
18 મેના રોજ કોંગ્રેસ છોડ્યું હતું
લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે 18 મે 2022ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. હાર્દિકે વર્ષ 2019માં કોંગ્રેસનો હાથ થામ્યો હતો. 11 જુલાઈ, 2020 ના રોજ, કોંગ્રેસે ગુજરાતમાં પ્રદેશ કાર્યકારી અધ્યક્ષની કમાન હાર્દિકને સોંપી હતી. હાર્દિકનું કહેવું છે કે કોંગ્રેસની લીડરશિપથી તે પરેશાન હતા અને તેને કોઇ કામ કરવાનો મોકો ન હતો મળતો માટે તેમણે કોંગ્રેસ છોડનાનો નિર્ણય લીધો.