અમદાવાદ : IND vs NZ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શહેરની 30 ટકાથી વધુ પોલીસ તૈનાત કરવામાં આવી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની નિર્ણાયક મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવા જઈ રહી છે. ત્યારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાતી આ મેચને જોવા માટે મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડવાના હોવાથી અહી તમામ પ્રકારીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અહી આવતા લોકો માટે વાહનો સહિત લોકોની સુરક્ષા માટેની પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સઘન સુરક્ષા
મહત્વનું છે કે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ યોજાવાની છે. આ મેચને જોવા માટે અનેક લોકોએ ટિકિટો પણ ખરીદી લીધી છે. આ મેચને લઈને લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોઈને પોલીસે શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. જેથી કોઈ પણ પ્રકારે અનિચ્છનીય ઘટના ન બને.
3,500 પોલીસ કર્મચારીઓ સ્ટેડિયમમાં તૈનાત
અત્રે ઉલ્લેખનીય છે કે આ મેચને લઈને અમદાવાદ શહેર પોલીસ એલર્ટ થઇ છે. શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે થઇ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.જાણકારી મુજબ આ મેચ માટે મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 3,500 જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તેજમ દર 37 સીટ્સ માટે એક પોલીસ કર્મચારી ફરજ પર રહેશે અને શંકાસ્પદ પ્રવૃતિઓ પર નજર રાખશે. આ મેચ માટે થઇ ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સ્ટેડીયમની લગભગ 85,000 સીટો ભરાઈ જવાની શક્યતા સેવાઈ રહી છે.
અમદાવાદ પોલીસના 30 ટકાથી વધુ પોલીસકર્મીઓ તૈનાત
અમદાવાદમાં પોલીસ સુરક્ષાને લઈને માહીતી આપતા વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે સ્ટેડિયમની 1.32 લાખ કેપેસિટીને ધ્યાનમાં રાખીને સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અને અમદાવાદ શહેરમાં કુલ 12,000 પોલીસ કર્મચારીઓમાંથી 30 ટકાથી વધુ પોલીસકર્મીઓને મેચ દરમિયાન સુરક્ષા માટે સ્ટેડીયમમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ કુલ તૈનાત પોલીસકર્મીઓ માંથી લગભગ 40% એટલે કે 1,300 કર્મચારીઓ ટ્રાફિક નિયંત્રણ માટે અને 60% એટલે કે 2,200 કર્મચારીઓ સ્ટેડિયમની અંદર અને બહાર સુરક્ષા માટે ખડે પગે રહેશે.
BDDS, ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ વગેરે ટીમ સ્ટેન્ડબાય
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં 8 બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) તૈનાત રહેશે. તેમજ તમામ પાર્કિંગ લોટ અને એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર એન્ટી-સેબોટેજ ટીમ તૈનાત રહેશે. આ સાથે અમદાવાદ ફાયર વિભાગના 25 કર્મચારીઓ તેમજ 5 એમ્બ્યુલન્સ પણ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં હાજર રહેશે.
ટ્રાફિક માટે નવી નવી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે
અમદાવાદમાં મોટા પ્રમાણમાં લોકો આવવાના કારણે ટ્રાફિકને લઈને પણ તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ટ્રાફિક પોલીસ શહેરની આસપાસના ટ્રાફિક વિશે ગૂગલ મેપ્સને અપડેટ કરવા માટે આજે નવી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું પણ શરૂ કરશે.
આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ-2023 : નાણામંત્રીએ યુવાનોને રોજગારી સહિત આ ભેટ આપી