બજેટ-2023 : રેલવેના આધુનિકરણ માટે બજેટમાં શું કરવામાં આવી ફાળવણી ?
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023 -24 માટે આજે લોકસભામાં પોતાના કાર્યકાળનું પાંચમું બજેટ રજુ કર્યું. આ દરમિયાન તેમણે રેલવે બજેટ માટે ઘણી મહત્વની જાહેરાતો કરી. નાણામંત્રીએ રેલવે માટે 2.40 લાખ કરોડનું બજેટ ફાળવવાની જાહેરાત કરી. નાણામંત્રીએ કહ્યું છે કે, રેલવે પાછળ રોકાણમાં વધારો કરવામાં આવશે. PPPને પ્રોત્સાહન આપવામાં આવશે અને રેલવે પાછળ 2.40 લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો : બજેટ-2023 : વડાપ્રધાન મોદીએ શું કહ્યું અમૃત કાળ બજેટ અંગે ? કોના માટે ગણાવ્યું ફાયદાકારક
નવી યોજના અંતર્ગત 75 હજાર કરોડની જાહેરાત
આ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારમણે રેલવેમાં નવી યોજનાઓ માટે 75 હજાર કરોડની જાહેરાત કરી છે. આ પહેલા લોકસભામાં બજેટ રજુ કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે અમૃત કાળમાં આ પહેલું બજેટ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022-23માં રેલવેની કાયાપલટ માટે 1.40 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
2013ની સરખામણીમાં 9 ગણું વધુ રેલવે બજેટ
આ વખતના બજેટમાં રેલ્વે સેક્ટર માટે અત્યાર સુધીની સૌથી વધુ રકમ ફાળવવામાં આવી છે. આ પહેલા વર્ષ 2022-23 માટે 1.4 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યું હતું કે, રેલવે માટે આ બજેટમાં ફાળવણી 2013ની સરખામણીમાં 9 ગણી વધારે છે.
આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રા માટે 75 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને ખાનગી કંપનીઓના સહયોગથી 100 નવી યોજનાઓ શરૂ કરાશે. તે સાથે જ દેશમાં 50 નવા એરપોર્ટ, હેલિપેડ, વોટર એરોડ્રોમ પણ બનાવવામાં આવશે.
ગત બજેટમાં સરકારે દેશમાં 400 વંદે ભારત ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ કેન્દ્ર સરકારની પ્રાથમિકતામાં છે. એવામાં આજના બજેટમાં પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોના સંચાલન પર ફોકસ કરવામાં આવશે. આ આધુનિત ટ્રેન 180 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી દોડી શકે છે.