રાજકોટમાં ક્રિકેટ અને ફૂટબોલના બે ખેલાડીઓ ચાલુ રમતે મોત મેળવી જિંદગીની ગેમ હારી ગયા
રાજકોટમાં બે આશાસ્પદ યુવાનની જિંદગી અલગ અલગ સ્થળે રમત રમતી વખતે ખતમ થઇ ગઇ હતી. શહેરના રેસકોર્ષમાં ક્રિકેટ રમતી વખતે ગાંધીગ્રામના યુવાનનું બેભાન થઇ ગયા બાદ મૃત્યુ નિપજ્યુ હતું. જ્યારે મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજના કેમ્પસમાં સાંજે ફૂટબોલ રમતી વખતે બેશુધ્ધ થઇ જતાં એન્જિનીયરીંગના છાત્ર મુળ ઓરિસ્સાના હાલ ગાંધીધામ રહેતાં યુવાનનું મૃત્યુ થયું હતું. બંને બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
ટેનિસ બોલ લાગતા છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો
જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામના ભારતીનગર વિસ્તારમાં રહેતો રવિભાઇ પ્રકાશભાઇ ગાવડે નામનો યુવાન ગઇકાલે રવિવારે સવારે મિત્રો સાથે રેસકોર્ષ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો. ટેનિસ બોલથી બધા મેચ રમી રહ્યા હતાં તે વખતે રવિ બેટીંગ કરવા માટે આવ્યો હતો. આ વખતે બોલ તેને લાગી જતાં તે ઘાયલ થયો હતો અને શ્વાસ ચડવા માંડયો હતો. એ પછી તેણે રનર રાખીને બેટીંગ ચાલુ રાખી હતી અને બાવીસ રન બનાવ્યા હતાં. ત્યારબાદ આઉટ થયો હતો. પોતાની ઇનિંગ પુરી થયા પછી તે ટીમના મિત્રો સાથે બેઠો હતો અને સ્હેજ છાતીમાં દુઃખાવો ઉપડયો હોવાની જાણ મિત્રોને કરી પોતાની કારમાં જઇને બેઠો હતો.
મૃતક મોબાઈલ કવર વેંચવાનો ધંધો કરતો
થોડીવાર બાદ તે કારમાંથી બહાર પડી જતાં બીજા મિત્રો દોડી ગયા હતાં અને તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ તેનું મૃત્યુ નિપજ્યાનું તબિબે જાહેર કરતાં ગમગીની છવાઇ ગઇ હતી. પ્ર.નગરના પીએસઆઇ કે. એસ. ભગોરાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર યુવાન મોબાઇલ કવરનો વેપાર કરતો હતો. તેને બે સંતાન છે. યુવાન અને આધારસ્તંભ દિકરાના અણધાર્યા મૃત્યુથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
કોલેજ કેમ્પસમાં જ બેભાન થઈ ઢળી પડ્યા
બીજી એક ઘટનામાં મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ફૂટબોલ રમતી વખતે વિદ્યાર્થી બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ આર. વિવેકકુમાર આર. ભાસ્કર (ઉ.વ.૨૦) નામનો યુવાન સાંજે સાડા સાતેક વાગ્યે કોલેજ કેમ્પસમાં કેટલાક બીજા મિત્રો સાથે ફૂટબોલ રમતો હતો તે વખતે એકાએક બેભાન થઇ જતાં હોસ્ટેલ વોર્ડન અમુલ્યકુમાર સહિતની ટીમે તાકીદે તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ તબિબે તેને નિષ્પ્રાણ જાહેર કરતાં ગમગીની છવાઇ ગઇ હતી.
મૃતક યુવકના પિતા નિવૃત્ત આર્મીમેન
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. કરમશીભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર આર.વિવેકકુમાર મારવાડી કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનીયરીંગ સાયન્સનો ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે એક બહેનથી મોટો હતો. મુળ ઓરિસ્સાનો વતની હતો. હાલમાં તેમનો પરિવાર ગાંધીધામ કચ્છ ખાતે રહે છે. પિતા નિવૃત આર્મીમેન છે. બનાવને પગલે પરિવારજનો અને કોલેજ કેમ્પસમાં શોક છવાઇ ગયો હતો.