ગુજરાતના વિવિધ શહેરોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. તેમજ મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. તેમાં જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં માવઠું પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. તથા માવઠું થતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને જે નુકસાન થયું હોય તેનો તાત્કાલિક સર્વે કરાવીને તેઓને તેમના ખેતરમાં વાવેલ એકર પ્રમાણે વળતર આપવામાં આવે તેમ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકારને માંગ કરી છે.
ગુજરાતના 10થી વધારે જિલ્લાઓમાં કરા સાથે માવઠું
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે અત્યારે ભર શિયાળે સમગ્ર ગુજરાતના 10થી વધારે જિલ્લાઓમાં કરા સાથે માવઠા પડી રહ્યા છે અને આગામી બે દિવસની અંદર 15 જિલ્લાઓમાં માવઠાની આગાહી છે ખાસ કરીને આવા સમયે સૌથી વધારે નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. આ માવઠાથી ખેડૂતોના પાક અને વાવેલા દાણ નિષ્ફળ જઈ રહ્યા છે. દેશ અને ગુજરાતના ખેડૂતો પહેલેથી જ મંદી અને મોંઘવારી સામે જજુમી રહ્યા છે સાથે તેમના વાવેલા પાકના પૂરતા એમએસપી પ્રમાણે રૂપિયા પણ મળતા નથી. જુના પાક વિમાના પાકેલા નાણાં મેળવવા જગતનો તાત વલખા મારી રહ્યો છે ત્યારે આવા સમયે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ કફોડી કરી દીધી છે.
કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું
અમિત ચાવડાએ સરકાર પાસે માગણી કરતા જણાવ્યું હતું કે કૃષિ નિષ્ણાતો અનુસાર રાજ્યમાં શનિવારે મોટાભાગના સ્થળોએ પાંચ મિલિમિટર જેટલો વરસાદ નોંધાયો છે અને હવામાન વિભાગ દ્વારા વધુ માવઠાની આગાહી કરવામાં આવી છે.એક ઇંચ કે તેથી વધુ વરસાદ પડે તો રવિ પાક સહિત બટાકા, ચણા, જીરું, તમાકુ, વરિયાળી, ઘઉં અને શાકભાજીના પાકોમાં મોટાપાયે નુક્સાન થવાની ભીતિ રહે છે. સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને જે નુકસાન થયું હોય તેનો તાત્કાલિક સર્વે કરાવીને તેઓને તેમના ખેતરમાં વાવેલ એકર પ્રમાણે વળતર આપવામાં આવે.