ગુજરાતમાં આજે લેવામાં આવનાર જુનીયર કલાર્કની પરીક્ષા છેલ્લી ઘડીએ રદ્દ કરવામાં આવી હતી. પંચાયત મંડળના આ નિર્ણયના કારણે ઉમેદવારોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પરીક્ષા રદ્દ થવાનો આક્રોશ વચ્ચે ઉમેદવારો ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેના પગલે રાજ્ય સરકારે હાઇએલર્ટ જાહેર કર્યું છે.
બસ સ્ટેશનમાં હોબાળો
જુનીયર કલાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવતા ઉમેદવારોમા આક્રોશ છે. જેના કારણે બહારગામથી આવનારા ઉમેદવારોએ બસ સ્ટેશન ઉપર પહોંચી હોબાળો કર્યો હતો. સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. લોકોએ બસ રોકી સરકાર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વતનથી 200 કિમી દૂર સેન્ટર અપાયા
ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષામાં પંચાયત મંડળ દ્વારા ઉમેદવારોને તેમના વતનથી અંદાજે 200 કિમી દુરદુર પરીક્ષા સેન્ટર આપવામાં આવ્યું હતું. તેઓને સવારે 9 વાગ્યે સેન્ટર ઉપર પહોંચવા માટે અમુક ઉમેદવારો વહેલી સવારે તો અમુક ગત રાત્રીના જ ઘરેથી નીકળી ગયા હતા. જેઓ સેન્ટર ઉપર પહોંચે તે પહેલાં જ પેપરલીકના સમાચાર મળતા રોષ ફેલાયો હતો.