પાલનપુરમાં પીરોજપુરાના બે યુવાનોને “હું ચોર છું” ની ગળામાં સ્લેટ પહેરાવી, મુંડન કરાવી વરઘોડો કાઢ્યો
પાલનપુર: વડગામ તાલુકાના પીરોજપુરામાં ચર્ચાસ્પદ ઘટના બની હતી. આ ગામમાં શુકવારે ચોરીનો આરોપ મૂકી ગામના બે યુવકોને માથે મુંડન કરાવીને મારમારી ઢોલ વગાડી ગામમાં વરઘોડો કાઢયો હતી. આ ઘટનામાં યુવકોએ વરઘોડો કાઢનાર બે ઈસમો વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના પીરોજપુરા ગામમાં બે દિવસ પહેલાં અતીકુરહેમાન યુસુફ કડીવાલના રહેણાંકમાં ચોરી થઈ હતી. જેને લઇને મકાન માલિક દ્વારા ગામના મોહંમદ ઈલિયાસ સાલેહ તેમજ અબ્દુલસમદ મહંમદ મનસુરી ઉપર ચોરી અંગેનો શક રાખી જેમ તેમ ગાળો બોલીને કહેલ કે, “તમોએ મારા મકાનમાં ચોરી કરી છે” તેમ કહી બન્ને યુવકોને પકડી ગામના લોકોને ભેગા કરી વાળંદને બોલાવી માથે મુંડન કરાવ્યું હતું. અને બંનેના ગળામાં સ્લેટ લટકાવી તેમાં ‘હું ચોર છું ‘તેવું લખાણ લખી ઢોલ વગાડી આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો.
મુંડન કરાવી મારમારી વરઘોડો કાઢનાર મકાન માલિક વિરુદ્ધ ફરિયાદ
ત્યારબાદ બન્ને યુવકોને સાંજે પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન પીડિત યુવકે ચોરીનો ખોટો આક્ષેપ કરી ઘરમાં ગોંધી રાખી મારમારી માથે મુંડન કરાવી ગામમાં ઢોલ વગાડી વરઘોડો કાઢનાર પિરોજપુરા ગામના તોસિફભાઈ ઇબ્રાહિમભાઈ જગરાળા , અરસદ યુસુફ કડીવાલ તેમજ અન્ય બે અજાણ્યા ઈસમો અને મુંડન કરનાર નાઈ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ વડગામ તાલુકો જ નહીં સમગ્ર જિલ્લામાં ચર્ચા મચાવી છે.
આ પણ વાંચો :કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે G20ની સ્ટાર્ટઅપ બેઠકને સંબોધિત કરી, જાણો શું કહ્યું ?