ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે અમેરિકાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે તે વાસ્તવિક નિયંત્રણ રેખા પર કોઈપણ પ્રકારની એકપક્ષીય કાર્યવાહી અથવા ઘૂસણખોરીનો વિરોધ કરે છે. અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે હાલમાં જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારત-ચીન સરહદ પર તૈનાત ચીની સૈનિકો સાથે વાતચીત કરી હતી અને યુદ્ધની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મીડિયા અહેવાલો અનુસાર, શુક્રવારે પ્રેસના પ્રશ્નોના જવાબ આપતા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રેસ પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું કે અમે એલએસી પર કોઈપણ પ્રકારની એકપક્ષીય કાર્યવાહી અને ઘૂસણખોરીનો સખત વિરોધ કરીએ છીએ. અમેરિકા આ મામલે ચાંપતી નજર રાખી રહ્યું છે.
ભારતીય અને યુએસના NSA વચ્ચે મહત્વપૂર્ણ બેઠક
અમેરિકાએ કહ્યું કે ભારત અને ચીને વાતચીત દ્વારા સરહદ વિવાદનો ઉકેલ લાવવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને યુએસના NSA જેક સુલિવાન વચ્ચે આવતા અઠવાડિયે વોશિંગ્ટન ડીસીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં મહત્વપૂર્ણ ટેક્નોલોજી પર વાતચીત અને સહયોગ અંગે ચર્ચા થઈ શકે છે. આ અંગે વેદાંત પટેલે કહ્યું કે ભારત અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. જેમાં વેપાર સહયોગ, સુરક્ષા સહયોગ તેમજ ટેકનિકલ સહયોગનો સમાવેશ થાય છે.
ભવિષ્યમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે અથડામણ વધી શકે છે
શી જિનપિંગે પીપલ્સ લિબરેશન આર્મીના હેડક્વાર્ટરથી પૂર્વ લદ્દાખમાં તૈનાત ચીની સૈનિકો સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન ચીની સૈનિકોએ કહ્યું હતું કે હવે તેઓ 24 કલાક સરહદ પર નજર રાખી રહ્યા છે. શી જિનપિંગે પીએલએ સૈનિકોને સરહદી પેટ્રોલિંગ અંગે પ્રશ્ન કર્યો હતો. મહત્વનું છે કે ગત 5 મે 2020ના રોજ પૂર્વ લદ્દાખમાં જ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. લદ્દાખના ટોચના પોલીસ અધિકારીઓએ એક રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે અથડામણ વધી શકે છે. આનું કારણ રિપોર્ટમાં સરહદ પાર ચીન દ્વારા સતત મિલિટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી સ્થિતિ વધુ બગડવાની આશંકા છે. લદ્દાખ પોલીસે ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે.