પાલનપુરના ગાદલવાડામાં મકાનનું બાંધકામ પૂરું ન કરનાર કોન્ટ્રાક્ટરને રૂ.એક લાખ ચૂકવી આપવા હુકમ
પાલનપુર: ગુજરાતની જાણીતી ગ્રાહક હિત હક્ક રક્ષક ગ્રાહક સુરક્ષા સંસ્થાના પ્રયાસોથી વધુ એક ગ્રાહકને ન્યાય મળ્યો છે. બિલ્ડરના મનસ્વીપણાની સામે કોર્ટ એ માનસિક ત્રાસ બદલ રૂ. એક લાખ ચૂકવવા અને કામ પૂર્ણ કરવા હુકમ કરતા કોન્ટ્રાકટરમાં ફફડાટ ફેલાયો હતો.
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગાદલાવાડા ગામે રહેતા રૂપલબેન જગદીશભાઈ પઢીયાર અને સોમાલાલ કેશવલાલ મકવાણાને પાલનપુર તાલુકાના ગાદલવાળા ગામે મકાન બનાવવાનું હોઈ ગ્રાહકે પાલનપુર ખાતે મકાન બનાવી આપનાર કોન્ટ્રાક્ટર સુનીલ આર. ગોહિલ, સાગર આર.ગોહિલ અને રામકિરણજી ગોહિલનો સંપર્ક કરી તેમની સાથે ભાવ નક્કી કરી 630 ફૂટના મકાન બાંધકામ માટે 850 રૂપિયા પ્રતિ ચોરસફૂટના ભાવ નક્કી કરી મકાન બનાવી આપવા માટે કરાર લેખ કરેલો. અને એ કરાર લેખ મુજબ કરારમાં જણાવેલી શરતોને આધીન રહી ત્રણ માસમાં મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું હતું.
પરંતુ બિલ્ડર કોન્ટ્રાક્ટરે ગ્રાહક પાસેથી સાડા ચાર લાખ રૂપિયા જેટલી મોટી રકમ લીધા બાદ પણ કામ પૂરું કરી આપેલ નહીં અને ફરિયાદી ગ્રાહકોની વારંવાર વિનંતી હોવા છતાં તેઓ બાકીનું કામ પૂરું કરી આપતા ન હતા. તેથી ગ્રાહક રૂપલબેન અને સોમાલાલ ભાઈએ શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસાના પ્રમુખ અને ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવેનો રૂબરૂ સંપર્ક કરી લેખિત ફરિયાદ આપેલ હતી.
ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઈ દવે એ નોટીસ વિગેરેની કાર્યવાહી કર્યા બાદ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતમાં ગ્રાહક ફરિયાદ દાખલ કરેલ હતી. જે ફરિયાદના ચાલુ કામે પણ બિલ્ડર કોન્ટ્રાક્ટર ગ્રાહકનો જ વાંક કાઢતાં હોઇ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ એ. બી. પંચાલ અને સભ્ય એમ.એસ. સૈયદ તેમજ બી.જે. આચાર્યની જ્યુરીએ કોર્ટ કમિશ્નરની નિમણૂક કરી અને સ્થળ સ્થિતિ અંગે રિપોર્ટ કરવા હુકમ કર્યો હતો. ત્યારબાદ કોર્ટ કમિશનરના અહેવાલ મુજબ બિલ્ડર કોન્ટ્રાક્ટરે કરારમાં નિર્ધારિત થયેલ શરતો મુજબ મકાનનું બાંધકામ પૂર્ણ કરેલ ન હતું તેવું સ્પષ્ટ થતાં બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતના પ્રમુખ એ.બી.પંચાલ અને સભ્ય એમ.એસ. સૈયદની જ્યુરીએ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્માની ધારદાર રજૂઆતોને ધ્યાને લઈ ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
ગુજરાતના ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષાનો ઐતિહાસિક ચુકાદો
ગ્રાહક અદાલતે આપેલ ચુકાદા મુજબ બિલ્ડર કોન્ટ્રાક્ટરે ત્રણ માસમાં બાકી રહેલ મકાનનું કામકાજ પૂર્ણ કરવાનું રહેશે તેમજ બિલ્ડરે મકાનનું બાંધકામ પૂર્ણ ન કરી સેવામાં ખામી અને અનૈતિક વેપાર પદ્ધતિનું આચરણ કરેલ હોઈ ગ્રાહકને થયેલ માનસિક ત્રાસ પેટે રૂપિયા એક લાખ અને ફરિયાદ ખર્ચના રૂપિયા દશ હજાર દિન 30 માં ચૂકવી આપવાનું ઠરાવેલ છે.
આ પ્રકારે માનસિક ત્રાસ ની આવડી મોટી રકમનો ચુકાદો ગુજરાતમાં કોઈ જિલ્લા ગ્રાહક અદાલતે આવો ચુકાદો આ પહેલાં આપેલ નથી. તેથી આ ઐતિહાસિક ચુકાદો આપી ગ્રાહક ને ત્રાસ સહીતની રકમ ચુકવેલ..
આ પણ વાંચો :રાજ્યમાં આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા, જાણો તંત્રની કેવી છે તૈયારી!