પાલનપુર: અંબાજીમાં સળગેલી હાલતમાં એલોપેથીક દવાનો જથ્થો મળી આવતા ચકચાર
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા દાંતા અંબાજીપંથકમાં અવાર-નવાર એલોપેથીક દવાનો જથ્થો બિનવારસી સ્થિતિમાં ફેંકી દેવામાં આવ્યો હોય તેવું વારંવાર બન્યું છે. ત્યારે અંબાજીમાં આવેલા ગુલઝારપુરા વિસ્તારમાં પણ સળગાવાયેલી હાલતમાં એલોપેથીક દવાનો જથ્થો મળી આવતા અનેક સવાલો ઉઠયા છે.
દવા જથ્થો કોણ ફેંકી ગયું, કોણે સળગાવી દીધો તેનું રહસ્ય અંકબંધ
આ દવાનો જથ્થો બિનવારસી સ્થિતિમાં મળ્યો હતો. જે કોણ ફેંકી ગયું, ને શા માટે સળગાવી દેવામાં આવ્યો, તે અંગે તંત્ર દ્વારા તપાસ કરાશે ત્યારે જ ખબર પડશે. યાત્રાધામ અંબાજીમાં આવેલા માનસરોવર નજીક ગુલઝારપુરા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર નંબર ત્રણ આવેલું છે. જેની નજીકમાં એલોપેથીક દવાનો મોટા પ્રમાણમાં જથ્થો બિનવારસી અને સળગાવેલી હાલત મળી આવ્યો હતો. જેને લઈને ચકચાર મચી છે.
આ દવાનો જથ્થો જ્યાંથી મળી આવ્યો છે તે સારવાર કેન્દ્ર નજીક આવેલો વિસ્તાર ગણાય છે. જ્યારે બિનવારસી દવાના જથ્થાની એક્સપાયરી ડેટ 2024 ના વર્ષની જોવા મળે છે. જેથી આ દવાનો હજુ પણ ઉપયોગ થઈ શકે તેમ હોવા છતાં આ રીતે દવા ના જથ્થાને સળગાવી ફેંકી દેનાર તત્વોને આરોગ્ય વિભાગે ઝડપીને કાર્યવાહી કરવી જોઈએ, તેવી પણ માંગ ઉઠી છે. આ દવાનો જથ્થો સરકારી દવાખાનાનો છે કે કોઈ ખાનગી હોસ્પિટલમાંથી ફેંકવામાં આવ્યો છે તેની પણ તપાસ કરવી જરૂરી છે.
જો સરકારી દવાખાનામાંથી આ જથ્થો બિનવારસી હાલતમાં ફેંકવામાં આવ્યો હોય તો સરકાર દ્વારા દર્દીઓને વિના મૂલ્યે આપવા માં આવતી દવાનો દૂરપયોગ કેટલો યોગ્ય છે? તે અંગે પણ અંબાજીના નાગરિકોમાં સવાલ પુછાઈ રહ્યા છે.
આ પણ વાંચો :ભાજપ હોય કે કોંગ્રેસ, આલોચના થતી ફિલ્મ કે ડોક્યુમેન્ટરી પર રોક તો લાગશે જ