‘પઠાણ’ એ ત્રણ દિવસમાં કરી બમ્પર કમાણી, શું શાહરુખ તેની અન્ય ફિલ્મોનો તોડશે રેકોર્ડ ?
શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ થઈ ત્યારથી બોક્સ ઓફિસ પર કેટલાક નવા રેકોર્ડ બનાવી રહી છે. પઠાણ ફિલ્મે બાહુબલી અને KGFનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. અને હાલ પઠાણ ધૂમ કમાણી કરી રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે. લોકોમાં પઠાણને લઈને અલગ જ ક્રેજ જોવા મળી રહ્યો છે. ત્યારે શાહરુખ ખાનની આ ફિલ્મ તેની અન્ય ફિલ્મો કરતા પણ વધુ કમાણી કરી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે જોવાનું એ છે કે શાહરૂખ ખાન પોતાના જ રેકોર્ડ તોડી શકશે કે નહીં.
પઠાણે 3 દિવસમા 300 કરોડ રૂપિયાની કમાણી કરી
શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ થઈ ત્યારથી પ્રથમ દિવસે જ 106 કરોડની કમાણી કરી લીધી હતી જ્યારે રિલીઝના બીજા દિવસે એટલે કે પ્રજાસત્તાક દિને આ ફિલ્મે 113 કરોડની કમાણી કરી હતી. બે દિવસમાં તેનું કુલ કલેક્શન 219 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું, હવે આ ફિલ્મે ત્રણ દિવસમાં લગભગ 300 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
SRKની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાી શક્યતા
ફિલ્મની કમાણી વિશે વાત કરતાં એક્ઝિબિટર અક્ષય રાઠીએ એક મીડિયાને જણાવ્યું હતું કે, “આપણે અત્યાર સુધી જે જોયું છે તે જોતાં અત્યારે લાગી રહ્યું છે કે ‘પઠાણ’ની કોઈ મર્યાદા નથી. તેને નોન-હોલિડે ડે પર રિલીઝ કરવામાં આવી હતી. લાઇફટાઇમ કલેક્શનની વાત કરીએ તો દુનિયાભરમાં 300 કરોડ રૂપિયાની ગેરંટી છે. બાકી તો તે તેના પર નિર્ભર કરે છે કે તે સોમવારે કેટલું સારું પ્રદર્શન કરે છે. હાલ તો એવું લાગી રહ્યું છે કે તે SRKની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હશે. અત્યારે એવું પણ લાગે છે કે તે વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મોની યાદીમાં સામેલ થવા જઈ રહી છે.” ત્યારે અમે તમને શાહરુખ ખાનની સૌથી વધુ કમાણી કરનારી ટોપ ફિલ્મો વિશે જણાવીશું.
ચેન્નઈ એક્સપ્રેસ (2013)
ચેન્નઈ એક્સપ્રેસ’એ કુલ 395 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ચેન્નઈ એક્સપ્રેસનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું હતું. ફિલ્મની સ્ટોરીમાં એક એવા હીરોની વાત છે જે ભાગેડુ દુલ્હનને મદદ કરવાનું નક્કી કરે છે. આ કલાકારોમાં દીપિકા પાદુકોણ, સત્યરાજ, કામિની કૌશલ અને મુકેશ તિવારીનો સમાવેશ થયો હતો.આ ફિલ્મની એક્શન-કોમેડીને બોલ્ક બ્લસ્ટર માનવામાં આવે છે. કેમ કે તેને 70 કરોડના બજેટમાં શૂટ કરવામાં આવી હતી.
દિલવાલે (2015)
‘દિલવાલે’ ફિલ્મે રણવીર સિંહની ‘બાજીરાવ મસ્તાની’ને આકરી ટક્કર આપી હતી. તેમ છતા દુનિયાભરમાંથી 372 કરોડ રુપિયાની કમાણી કરી હતી. રોહિત શેટ્ટી નિર્દેશન કરાયેલ આ ફિલ્મનું શૂટિંગ 75 કરોડના બજેટ પર થયું હતું. કાજોલ ‘દિલવાલે’માં શાહરૂખ ખાન સાથે મેઇન લીડમાં હતી. આ બંનેની આ 7મી ઓનસ્ક્રીન ફિલ્મ હતી, જેમાં વરુણ ધવન અને કૃતિ સેનન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
હેપી ન્યૂ યર (2014)
ફરાહ ખાનની કોમેડી- ડ્રામા ‘હેપ્પી ન્યૂ યર’એ બોક્સ ઓફિસ પર 342 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને મિશ્ર પ્રતિસાદ છતાં બ્લોકબસ્ટર ફિલ્મ તરીકે ઉભરી આવી હતી. તેનું શૂટિંગ150 કરોડના બજેટમાં કરવામાં આવ્યું હતું. હૅપ્પી ન્યુ ઈયરમાં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન અને સોનુ સૂદ લાઇમલાઇટમાં જોવા મળ્યા હતા.
રઈસ (2017)
95 કરોડના બજેટ પર બનેલી આ ગેંગસ્ટર ડ્રામા (RAEES)એ ઋતિકની ‘કાબિલ’ સાથે ટક્કર હોવા છતાં 272 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. SRKની આ ફિલ્મને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો, જેમાં ઘણા લોકોએ તેના અભિનયની પ્રશંસા કરી હતી. રઇસમાં પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન મુખ્ય ભૂમિકામાં હતી, આ તેની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ હતી. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પોલીસના રોલમાં જોવા મળ્યો હતો.
જબ તક હૈ જાન (2012)
શાહરૂખ ખાને રોમેન્ટિક ડ્રામા ‘જબ તક હૈ જાન’માં કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા સાથે અભિનય કર્યો હતો. દિવંગત યશ ચોપરાની છેલ્લી ફિલ્મે બોક્સ ઓફિસ પર 210 કરોડ રુપિયાની કમાણી કરી હતી. તેને સફળ એટલા માટે માનવામાં આવે છે કારણ કે તેનું શૂટિંગ 50 કરોડના બજેટમાં કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે શાહરુખ ખાન પઠાણ ફિલ્મે આમાંથી બે ટોચની ફિલ્મોનો રેકૉર્ડ તો એ પહેલા જ તોડી ચૂકી છે. ફિલ્મની અત્યાર સુધીની કમાણીએ ‘રઈસ’ અને ‘જબ તક હૈ જાન’ની કમાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે જોવાનું એ છે કે તે અન્ય ત્રણ ફિલ્મોના રેકોર્ડ તોડી શકશે કે નહીં. હાલ તો દર્શકોએ આ માટે થોડી રાહ જોવી પડશે.
આ પણ વાંચો : ‘પઠાણ’એ તમામ રેકોર્ડ તોડ્યાઃ પહેલા જ દિવસે વર્લ્ડવાઇડ 100 કરોડની ક્લબમાં સામેલ