હેલ્ધી અને ટેસ્ટી પાલકના મૂઠિયા બનાવો ફટાફટ
મૂઠિયા ગુજરાતી પરિવારોમાં બનતી મજાની વાનગી છે. મોટા ભાગે આપણા ઘરોમાં દૂધીના મૂઠિયા જ બનતા હોય છે. પણ જો તમે ઈચ્છો તો ગુજરાતી મૂઠિયાને અલગ અને અનોખો ટચ આપી શકો છો. શિયાળાની સીઝનમાં મેથી અને પાલકની સાથે મૂળાની મજા પણ માણી શકાય છે. તમે તેની મદદથી પણ હેલ્ધી મૂઠિયા બનાવી શકો છો. તેને તમે નાસ્તામાં કે પછી સાઈડ ડિશમાં ઉપયોગમાં લઈ શકો છો. આ વાનગી સરળતાથી બની જાય છે અને ઝડપથી પણ બને છે. તો તમે જાણો કઈ રીતે ઘરે સરળતાથી બનાવી શકાશે પાલકના મૂઠિયા.
પાલકના મૂઠિયા બનાવવા સામગ્રી : 1/4 કપ ઘઉંનો લોટ, 1/2 કપ ચણાનો લોટ, 1/2 કપ રવો, 1 કપ મકાઈનો લોટ, 1/2 ટી સ્પૂન હળદર, 2 કપ પાલક સમારેલી, 1/4 ટીસ્પૂન હિંગ, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, 1/2 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન લસણની પેસ્ટ, એક ટીસ્પૂન આદુંની પેસ્ટ, 1 ટીસ્પૂન દહીં, 4 નંગ લીલાં મરચાં સમારેલા, 2 ટીસ્પૂન કોથમીર, 1 ટી સ્પૂન લીંબુનો રસ, 1 ટી સ્પૂન તેલ, મીઠું સ્વાદનુસાર. વઘાર માટે : 3 ટીસ્પૂન તેલ, 1/2 ટીસ્પૂન રાઈ, 2 ટીસ્પૂન તલ.
રીત : એક બાઉલમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, રવો, મકાઈનો લોટ, હળદર, હિંગ, બેકિંગ સોડા, જીરૂં, વરિયાળી, ખાંડ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં આદુંની પેસ્ટ, લીલા મરચાં, કોથમીર, લીંબુનો રસ અને તેલ નાખીને ફરીથી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં સાફ કરીને સમારીને નીતારેલી પાલક નાખો. છેલ્લે દહીં નાખીને બરાબર મિક્સ કરીને કણક બાંધી લો. જો જરૂર પડે તો જ થોડું પાણી ઉમેરો. લોટને ઢાંકીને થોડી વાર મૂકી રાખો. હવે લોટમાંથી મૂઠિયા વાળી લો. ત્યાં સુધીમાં કૂકરમાં પાણી ગરમ કરવા માટે મૂકો. પાણી ગરમ થાય એટલે તેમાં મૂઠિયાની પ્લેટ મૂકો. મૂઠિયાને લગભગ વીસથી ત્રીસ મિનિટ સુધી બાફી લો. હવે મૂઠિયાને બહાર કાઢીને ઠંડા થવા દો. ઠંડા થાય એટલે તેના કટકા કરી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને તલનો વઘાર કરો. રાઈ અને તલ ફૂટે એટલે તેમાં મૂઠિયા નાખીને બરાબર મિક્સ કરી લો. ગરમા-ગરમ મૂઠિયાને ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.