ગુજરાત

સુરતમાં અસામાજિક તત્વો બેફામ, દવા બાબતે કમ્પાઉન્ડરને માર્યો

Text To Speech

સુરતમાં દવા આપવાની ના પાડતાં અસામાજિક તત્વોએ કમ્પાઉન્ડરને ઢોર માર માર્યો છે. જેમાં શહેરમાં પોલીસનો અસામાજિક તત્વો કોઈ ડર રહ્યો નથી. ઘટનાની માહિતી પ્રમાણે ઉનમાં આવેલી હોસ્પિટલમાં મારામારીની ઘટના બની છે. કમ્પાઉન્ડરે દવા આપવાની ના પાડતાં તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે.

જાનથી મારી નાંખવાની ધમકી આપી

અર્શ હોસ્પિટલમાં થયેલી મારામારીની ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. મઝહર પઠાણ સહિત તેના અન્ય સાગરીતો હોસ્પિટલમાં ઘૂસી ધમાલ મચાવતાં અને મારામારી કરતાં સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. હોસ્પિટલમાં હોબાળો થતાં અન્ય લોકો દોડી આવતા તમામ લોકો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ હોસ્પિટલના તબીબને જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ હોસ્પિટલ આવતાં ફરી બંને ભાઈઓ હોસ્પિટલ આવ્યા હતા. વિવેકને માર માર્યો હતો અને હવે
દવા આપવાની ના પાડતો નહિ, નહિતર જાનથી મારી નાખીશું એવી ધમકી આપી ચાલ્યા ગયા હતા.

ચાર જેટલા શખ્સોએ હોસ્પિટલમાં વિવેક સાથે મારામારી કરી

સુરતમાં જીઆઈડીસી પાસે આવેલી અર્શ હોસ્પિટલમાં વિવેકકુમાર છેલ્લા બે વર્ષથી કમ્પાઉન્ડર તરીકે કામ કરે છે. ગઈકાલે રાત્રે તે ઓપીડી રૂમમાં સુઈ ગયો હતો. આ દરમિયાન હોસ્પિટલની સામે રહેતો મઝહર પઠાણ એક સાગરીત સાથે ત્યાં આવ્યો હતો. તેણે વિવેકને ઉઠાડીને ગેસ માટેની એક દવા માંગી હતી. ત્યારે વિવેકે દર્દીને જોયા વિના દવા આપવાની ના પાડી હતી. ત્યાર બાદ ચાર જેટલા શખ્સોએ હોસ્પિટલમાં વિવેક સાથે મારામારી કરી હતી.

પોલીસે હોસ્પિટલના સીસીટીવી પણ તપાસ્યા

ઘટના અંગેની જાણ થતાં સચિન જીઆઈડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી. પોલીસે ડોક્ટર અને હોસ્પિટલના કમ્પાઉન્ડરનાં નિવેદન લીધા હતા. પોલીસે હોસ્પિટલના સીસીટીવી પણ તપાસ્યા હતા.

Back to top button