પાલનપુર : દેશના 74માં ગણતંત્ર દિવસ પર BSF અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે કરાયું મીઠાઈનું આદાન-પ્રદાન
- BSFના મહા નિરીક્ષકના વરદ હસ્તે નડાબેટ ખાતે યોજાયું ધ્વજવંદન
પાલનપુર : દેશના 74 માં ગણતંત્ર દિવસ ના અવસર પર BSF દ્વારા ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદ અને રાજસ્થાનના બાડમેર જિલ્લામાં પાકિસ્તાનના રેંજર્સ સાથે મીઠાઈઓ અને શુભેચ્છાની આપ -લે કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સીમાની સાથે સાથે રાજસ્થાનના બાડમેર જિલ્લાના મુનાવાવ, ગડરા, કેલનોર, સોમહાર અને વરનાહારમાં પણ શુભેચ્છાઓ અને મીઠાઈ આદાન – પ્રદાન કરાઈ હતી. રાષ્ટ્રીય તહેવારો પર મીઠાઈ અને શુભકામનાઓનું આદાન-પ્રદાન એ ભારત અને પાકિસ્તાનના સીમા સુરક્ષા બળ વચ્ચે વિશ્વાસ નિર્માણ કરવાનો એક ભાગ છે.
દેશનો 74મો ગણતંત્ર દિવસ બનાસકાંઠા જિલ્લાના નડાબેટ સાથે સાથે આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલી BSFની તમામ ચોકીઓ ઉપર અને બીએસએફના મુખ્યાલય ઉપર ખૂબ જ જોશ, ઉત્સાહ અને રાષ્ટ્રવાદી માહોલ સાથે મનાવવામાં આવ્યો હતો. જ્યારે ગુજરાતના મહાનિરીક્ષક રવિ ગાંધીના વરદ હસ્તે સીમા દર્શન નડાબેટ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ સ્કૂલના બાળકોને પણ મળ્યા હતા, અને રન ફોર યુનિટી તેમજ ‘બોર્ડર કવેસ્ટ’ થાર રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
રવિ ગાંધીએ ગણતંત્ર દિવસના રાષ્ટ્રીય પર્વ પર સૌને શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે, BSF ઉત્સાહ અને પ્રતિબધ્ધતા સાથે દેશની સરહદોનું રક્ષણ કરે છે. તેઓએ ઉમેર્યું હતું કે, નડાબેટ ખાતે સીમા દર્શન એ ગુજરાત સરકારની ઉત્કૃષ્ટ પહેલ છે, જે ભારતની સીમા અને વિસ્તારના પડકારો અને BSFની સરહદને સુરક્ષિત કરવાના પ્રયાસોને ઉજાગર કરે છે.
જ્યારે યુવાનોને રાષ્ટ્ર સેવા માટે પ્રેરણા પૂરી પાડે છે. નડાબેટ સીમા દર્શન જે સરહદ પ્રવાસનના વિશિષ્ટ અને પ્રતિષ્ઠિત મોડેલ રૂપે ઊભરી આવ્યું છે. જે સરહદી વિસ્તારના લોકોમાં રોજગારીના અવસરની પણ તક પુરી પાડી રહ્યું છે.
આ પણ વાંચો : પાલનપુર : બ્રહ્માકુમારી દ્વારા ગુજરાતના 400 સેવા કેન્દ્ર પર ઝંડા રોહણ