નડાબેટ સીમાદર્શન ખાતે 74મા ગણતંત્ર દિવસની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ 3000 જેટલા લોકોની ઉપસ્થિતીમાં અહીં નિર્માણ પામેલા પરિસર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી. ધ્વજવંદન વખતે દેશભક્તિના ગીતોએ હાજર સૌ લોકોમાં ઉર્જાનો સંચાર કરી દીધો.
આ પણ વાંચો : ગુજરાતે કૃષિ, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રોમાં દેશભરમાં ઊડીને આંખે વળગે તેવી વિકાસની નૂતન કેડી કંડારી : મંત્રી ઋષિકેશ પટેલ
આ ઉપરાંત ગણતંત્ર દિવસ નિમિત્તે નડાબેટ ખાતે બીએસએફના મહાનિરિક્ષક રવિ ગાંધીના માર્ગદર્શનમાં કાર રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. જેમાં 32 જેટલી કારની રેલી નડાબેટથી મવાસિરી, મુનાવાવ થઈને તનોટ માતા મંદિર, જેસલમેર ખાતે પૂર્ણ થશે. સાથોસાથ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બીએસએફ જવાનો, સેનાના જવાનો અને શાળાના વિદ્યાર્થીઓ સહિત નાગરિકોની હાફ મેરેથોન આયોજીત કરાઈ હતી. જેમાં લગભગ 300 જેટલા હિસ્સેદારોએ દેશભક્તિના નારા લગાવી દોટ મૂકી હતી. આ મેરેથોન બોરિયા બેટથી શરૂ થઈને ભારત-પાકિસ્તાન સીમા પર સ્થિત ઝીરો પોઈન્ટ પર પહોંચી પૂર્ણ થઈ હતી.
આ પણ વાંચો : જૂનાગઢ : ભારે પવનના પગલે ગિરનાર રોપ-વે બંધ, લોકોને ભારે હાલાકી
આ અવસરે વિવિધ આયોજનોમાં બીએસએફના વરિષ્ઠ અધિકારી એમ.એલ.ગર્ગ, ભૂપિન્દર સિંહ, અરૂણકુમાર શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં આવેલા મુલાકાતીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને નડાબેટ ખાતે ફરજ બજાવતા સહાયક સ્ટાફના લોકો જોડાયા હતા.