પાલનપુર : પાલનપુરની સ્વસ્તિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર કરાઈ ઉજવણી
- પાલનપુરની સ્વસ્તિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર કરાઈ ઉજવણી
પાલનપુર : ભારત 15 ઓગસ્ટ,1947 નાં રોજ સ્વતંત્ર થયું હતું, પરંતુ ભારતનું કાયમી બંધારણ હતું નહીં. તેને બદલે સુધારેલા વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા (એક્ટ:1935 આધારીત)નો અમલ થતો અને દેશ પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ ‘ગવર્નર જનરલ’ ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા.
29 ઓગસ્ટ 1947 નાં રોજ કાયમી બંધારણની રચના માટે ડો.બાબાસાહેબ આંબેડકરનાં વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને 4 નવેમ્બર,1947નાં રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વીકાર કરતાં પહેલાં બંધારણ સભાનું 166 દિવસનું જાહેર સત્ર મળ્યું. જે 2 વર્ષ,11 માસ અને 18 દિવસ ચાલ્યું. અનેક વિચાર-વિમર્શ અને સુધારાઓ પછી 308 સભ્યની આ બંધારણ સભાએ 24 જાન્યુઆરી,1950 નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી,1950થી અમલમાં આવ્યું.
ભારતના રાષ્ટ્રીય તહેવાર સમા પ્રજાસત્તાક પર્વની સમગ્ર ભારતમાં દબદબાભેર ઉજવણી કરાય છે. જે સંદર્ભે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર દ્વારા 74માં પ્રજાસત્તાક પર્વની હર્ષભેર ઉજવણી કરાઇ હતી.આ પ્રસંગે સ્વસ્તિક આર્ટ એકેડમીના ચેરમને રોહિતભાઇ ભૂટકાના વરદહસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુર સંલગ્ન તમામ શાળાઓના બાળકો દ્વારા વિવિધ દેશભક્તિ ગીતો,દેશદાઝના પ્રવચનો,દેશભક્તિ ગીતો પર વિવિધ ડાન્સ રજુ કરવામાં આવ્યા હતાં. તદઉપરાંત,આ પ્રસંગે રમતગમત ક્ષેત્રે રાષ્ટ્ર કક્ષાએ વિશિષ્ઠ પ્રદર્શન કરનાર સ્વસ્તિક ના બાળ ખેલાડીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.આ પ્રસંગે મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ, નરેશભાઇ મુજાત,મંડળના અન્ય સદસ્ય સહિત પત્રકાર નરેશ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના તમામ વિભાગના આચાર્ય અને સ્ટાફગણ ના સહકારથી કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : પાલનપુર માહિતી કચેરીના કેમેરામેન અશોક ચડોખીયાનું વિશિષ્ટ કામગીરી બદલ મંત્રીના હસ્તે સન્માન