ગુજરાતટોપ ન્યૂઝ

બોટાદ: 74 માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, રાજ્યપાલ અને મુખ્યમંત્રી રહ્યા હાજર

74માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની બોટાદમાં ઉજવણી કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોટાદમાં ધ્વજવંદન કર્યું છે. તેમજ દિકરીને સલામ દેશને નામ થીમ પર ઉજવણી કરવામાં આવી છે. તથા CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમાં રૂ.298 કરોડનાં વિકાસ કાર્યોના લોકાર્પણ થતા જિલ્લાના લોકોને ફાયદો થશે.  પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે.

વડાપ્રધાને આપેલા વિકાસકાર્યોના મંત્ર સાર્થક કરવા પ્રયત્નશીલ બનીએ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું હતુ કે રાજ્યમાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા, આ ત્રણેય ક્ષેત્રોનો મજબૂત પાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે નાખ્યો છે. ખેલ મહાકુંભ અને સ્પોર્ટ્સ સંકુલોને કારણે છેવાડાના વિસ્તારની પ્રતિભાઓને પણ તક મળી છે. અમૃતકાળમાં જ ભારત વિકસિત રાષ્ટ્ર બને અને તે માટે આપણે ગુજરાતને પણ વધુને વધુ વિકસિત બનાવવા પ્રયાસો કરીએ. વડાપ્રધાને આપેલા વિકાસકાર્યોના મંત્ર સાર્થક કરવા પ્રયત્નશીલ બનીએ. તથા વિકાસકાર્યોનાં ઈ- લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન કાર્યો થકી આવનારા દિવસોમાં બોટાદ જિલ્લો વિકાસના નવા શિખરો સર કરશે તેમ કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતુ.

બોટાદ જિલ્લામાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા

74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બોટાદ જિલ્લામાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જનમેદની સંબોધતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સંતો અને કવિઓની ભૂમિ બોટાદ પણ હવે વિકાસના નક્શામાં ઉભરી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું સફળ નેતૃત્વ આપણને સાંપડ્યું છે એ આપણું ગૌરવ તો છે. વિકસિત દેશોમાં રોજગારીની સમસ્યા વકરી રહી છે તેની સામે ભારતમાં રોજગારી વધી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વિકાસનાં કાર્યોમાં લોક ભાગીદારી પણ એટલી જ મહત્ત્વની છે, અને ગુજરાત તે દિશામાં નવા આયામો પ્રસ્થાપિત કરી રહ્યું છે.

સ્પોર્ટ્સ ક્ષેત્રે જ્યાં તક નહોતી ત્યાં તક ઊભી કરવાનું કામ આપણી સરકારે કર્યું

રાજ્યમાં વિકાસના કાર્યોની ગતિ વધુ તેજવાન બની છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે તેમણે ખેલ મહાકુંભનો પાયો નાખ્યો હતો, જેથી છેવાડાના ગામના રમતવીરોને તમામ સુવિધાઓ અને માર્ગદર્શન મળ્યા છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે જ્યાં તક નહોતી ત્યાં તક ઊભી કરવાનું કામ આપણી સરકારે કર્યું છે. બોટાદમાં બનનાર સ્પોર્ટ્સ સંકુલ આવી ઘણી નવી તકો સર્જન કરશે, એવો આશાવાદ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

Back to top button