કેમ ગણતંત્ર દિવસ તરીકે 26 જાન્યુઆરીને જ પસંદ કરવામાં આવ્યો ? શું તમે તેનો ઇતિહાસ જાણો છો
આજે જ્યારે આપણે પ્રજાસત્તક પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે સૌથી મહત્વનો સવાલ આજની યુવા પેઢીને થાય છે કે કેમ દેશ આઝાદ તો 15 ઓગસ્ટના થયો તો પછી પ્રજાસત્તક દિવસ કે ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી 1950 કેમ ? જેના માટે ઇતિહાસમાં એક નજર કરીએ, આઝાદીની ચળવળ દરમિયાન 1 ડિસેમ્બર 1929 ની મધ્યરાત્રીએ લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસનું લાહોરમાં જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે જો અંગ્રેજ સરકાર 16 જાન્યુઆરી 1930 સુધી ડોમેનિયન સ્ટેટસનો હોદ્દો આપવા તૈયાર ના થાય તો ભારત દેશ પોતાને પૂર્ણ સ્વતંત્ર દેશ જાહેર કરી દેશે.
જે પછી 26 જાન્યુઆરીના દિવસે અંગ્રેજોએ દેશની આઝાદી માટે કોઇ જ પગલા ન ભરતા દેશમાં પૂર્ણ સ્વરાજનો નારો ગુંજી ઉઠયો હતો.પૂર્ણ સ્વરાજની માંગ સાથે દેશમાં રાષ્ટ્ભકિતની લહેર ઉભી થઇ હતી.આથી લાહોર અધિવેશન મુજબ 26 જાન્યુઆરીને દર વર્ષે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું હતું. જયાં સુધી દેશને 1947 માં આઝાદી ના મળી ત્યાં સુધી 26 મી જાન્યુઆરી પૂર્ણ સ્વરાજ દિન એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાતો રહયો હતો.
તેમજ ભારતીય બંધારણ સભાની પહેલી બેઠક 9 ડિસેમ્બર 1946માં મળી હતી. 15 ઓગસ્ટ 1947ના રોજ દેશને આઝાદી મળી પરંતુ દેશ પાસે પોતાનું બંધારણ ન હતું. આથી ગાંધીજીની ઇચ્છા મુજબ બી આર આંબેડકરના નેતૃત્વમાં 2 વર્ષ અને 11 દિવસ સુધી મહેનત કરીને દેશનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. દેશના આ સંવિધાનને બંધારણ કમિટીએ 25 નવેમ્બર 1949 ના રોજ અમલ માટે રજુ કર્યુ હતું.
આ પણ વાંચો : 74 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે દિલ્હી તૈયાર, આ હશે મુખ્ય આકર્ષણ
આ પછી 24 જાન્યુઆરી 1950 ના રોજ બધા જ સાંસદો અને વિધાયકોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યાર બાદ 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ દેશમાં લાગુ પાડવામાં આવ્યું હતું. ડો રાજેન્દ્રપ્રસાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા. આમ 26 જાન્યુઆરીના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને 1950 માં ફરી દેશના પ્રજાસત્તાક દિવસ તરીકે પસંદ થયો હતો.