પાલનપુર : ત્રીપલ મર્ડર કરનારા ભાકડીયાલના આરોપીને ફાંસીની સજા
- ઉશ્કેરાયેલા આરોપીએ માતા, પત્ની અને પુત્રની નિર્મમ હત્યા કરી નાખી હતી
- દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ભાકડીયાલ ગામમાં ઠાકોર પરિવારમાં રક્ત રંજીત ખેલ ખેલાયો હતો. આરોપીએ પોતાની જનેતા, પત્ની તેમજ પુત્રની કુહાડીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી નાખી હતી. આ અંગેનો કેસ દિયોદરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશએ ત્રીપલ મર્ડર કેસના આરોપીને ફાંસીની સજા ફરમાવી હતી. બનાસકાંઠા જિલ્લામાં ફાંસીની સજાનો આ બીજો ચુકાદો હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેના કેસની વિગત એવી છે કે, આજથી ત્રણેક વર્ષ અગાઉ એટલે કે ૨ નવેમ્બર ’19 ના રોજ સવારના સમયે ઠાકોર ભીખાજી તખાજી પરિવાર સાથે તેમના ઘરે હતા. તે સમયે તેમની માતા જબીબેન ઠાકોરે પુત્ર ભીખાજી ને ” કંઈ કામ ધંધો કેમ કરતો નથી ?” તેવો ઠપકો આપ્યો હતો. જેથી ભીખાજી માતા ઉપર ગુસ્સે ભરાઈને ઉશ્કેરાઈ ગયા હતા. અને માતાના ઠપકાથી મનમાં લાગી આવતા તેણે કુહાડી લઈને આક્રમક અને ઝનુની બની માતા જબીબેન ઉપર તૂટી પડ્યો હતો. અને ઉપરા છાપરી કુહાડી ના ઘા મારી માતાની હત્યા કરી નાખી હતી.
બાદમાં ગુસ્સામાં રહેલા ભીખાજીએ પોતાની પત્ની જેબરબેન અને ચાર વર્ષના નિર્દોષ દીકરા જીગ્નેશને પણ છોડ્યા ન હતા. તેમની પણ કુહાડી વડે હત્યા કરી નાખી હતી. આમ પરિવારના માતા, પત્ની અને દીકરાની હત્યાના પગલે ગામના લોકોએ ફિટકાર વરસાવ્યો હતો. આ ઘટનામાં એક મહિલાને પણ ઈજા પહોંચી હતી. જ્યારે પોલીસે હત્યાના કેસમાં ભીખાજીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ અંગે લાખણી તાલુકાના ભાકડીયાલ ગામના પ્રકાશભાઈ ગમાજી ઠાકોરે આગથાળા પોલીસ મથકમાં ભીખાજી તખાજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેનો કેસ દિયોદર ની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ ડી. વી. ઠાકોરે ધારદાર દલીલો કરી અને પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જ્યારે કોર્ટ દ્વારા 22 જેટલા સાક્ષીઓ તેમજ ઘટનાને નજરે જોનાર ચાર સાક્ષીઓને પણ તપાસ્યા હતા. ત્યારબાદ આ ત્રિપલ મર્ડર ના કેસમાં ન્યાયાધીશ કે. એસ. હિરપરાએ હત્યાના આરોપી ઠાકોર ભીખાજી તખાજીને આ ગુનામાં તકસીરવાર ઠરાવીને ફાંસીની સજા ફરમાવી હતી. જેને લઈને કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી ગયો હતો.
આ પણ વાંચો : અમદાવાદ : ફર્નિચરની દુકાનમાં આગ લાગતા દુકાન બળીને ખાખ