જાસૂસી કાંડમાં સંડોવાયેલા પોલીસ કોન્સ્ટેબલોની હાલ અઅ મામલે ભરૂચ પોલીસ તપાસ કરી રહી છે ત્યારે અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. જાસૂસી કાંડમાં સંડોવાયેલા આરોપીઓને મહિને એક લાખ રૂપિયા આ કામ માટે મળતા હોવાનું ખૂલ્યું છે ત્યારે મામલો હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
જાસૂસી કાંડના બંને આરોપીઓની તપાસમાં મળતી વિગતો અનુસાર આ બંને કર્મચારીઓ ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલ અને અન્ય પોલીસ અધિકારીઓના લોકેશન બુટલેગરો સુધી પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે. બોબડો અને ચકો નામના બુટલેગરો આ બંને પોલીસકર્મીઓની મદદથી સમગ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પોતાનો ધંધો ખુલ્લેઆમ કરી રહ્યા હતા. આ બુટલેગરો જાસૂસી કરવા માટે મયુર ખુમાન અને અશોક સોલંકી ને એક લાખ રૂપિયા દર મહિને આપતા હોવાની વાત સામે આવી છે ત્યારે તપાસ અધિકારી પણ ચોંકી ગયા હતા.
આ પણ વાંચો : ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ, તો 12 અધિકારીઓને પોલીસ મેડલ
આનાથી પણ વધુ ચોંકાવનારી વાત બીજી એ છે કે આ બંને પોલીસકર્મી છેલ્લા દસ વર્ષથી એક જ જગ્યા એ એક જ ટેબલ પર ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમના ઉપર મોટા અધિકારીઓનો પણ હાથ હોવાનું પોલીસ બેડામાં ચર્ચા એ જોર પકડયું છે. પોલીસની શંકા મુજબ આ કર્મચારીઓ છેલ્લા ત્રણ વર્ષથી આ જાસૂસી કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. એક કર્મચારી એ તો પોતાના ગામ માં થોડા જ સમયમાં આલીશાન મકાન બનાવી દીધું હતું, જેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : રાજયની નીચલી અદાલતોમાં વિલંબિત ગતિએ ચાલતા કેસો માટે HCએ ઝાટકણી કરી
છેલ્લા 10 વર્ષથી એક જ જગ્યાએ ચોંટેલા આ કર્મચારીઓ એ મોબાઈલ કંપની જોડે એવા સંબંધ બનાવી લીધા હતા કે મોબાઈલ કંપની પણ એમને લોકેશન આપી દેતા હોવાનું ખૂલ્યું છે ત્યારે હવે અહી એ પણ પ્રશ્ન છે કે સિનિયર અધિકારીની સૂચના વગર એમને કેવી રીતે આ કંપનીઓ લોકેશન આપી દેતી હતી. આ સમગ્ર મામલે ઊંડી તપાસ થાય તો મોટા નામ પણ ખૂલવાની વાત પોલીસ બેડામાં થઈ રહી છે.