સુરતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સરકારનાં 8 વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે હિમાચલ પ્રદેશના સિમલાથી કેન્દ્ર સરકારની 13 મુખ્ય જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. દેશભરમાં એકસાથે યોજવામાં આવેલા ગરીબ કલ્યાણ સંમેલનનાં ભાગરૂપે સુરતમાં જિલ્લા કક્ષાનું ગરીબ કલ્યાણ સંમેલન કેન્દ્રીય ટેક્સ્ટાઈલ અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું. સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ સાથે શ્રીમતી જરદોશે લાભાર્થીઓ સાથે વાત કરી હતી.
સમારોહને સંબોધતા શ્રીમતી જરદોશે કહ્યું કે, અંત્યોદય એટલે કે ગરીબો સુધી પહોંચવા માટે પ્રધાનમંત્રીએ છેલ્લાં 8 વર્ષથી અનેક સુધારા સિસ્ટમમાં કરી દિવસ-રાત એક કર્યા છે જેના લીધે આજે ગરીબોને એમના હકના લાભો સીધા એમના બૅન્ક ખાતામાં પહોંચી રહ્યા છે અને આ કાર્યક્રમ પણ સુરતના દીનદયાળ ઉપાધ્યાય સ્ટેડિયમમાં થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનાં નાણાં પણ આજે દેશભરના નાના ખેડૂતોના ખાતાંમાં જમા થઈ રહ્યા છે. પીએમ આવાસ યોજના, કિસાન સન્માન, પોષણ અભિયાન, સ્વચ્છ ભારત, જલ જીવન જેવી યોજનાઓથી ગરીબ લોકોનું જીવન સરળ બન્યું છે અને વિશ્વનો સૌથી મોટો અન્ન વિતરણ કાર્યક્રમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ડિસેમ્બર સુધી લંબાવાઇ છે. તેમણે કહ્યું કે આ બધી યોજનાઓ વિશે હું વધારે વાત કરું એના બદલે આ યોજનાઓ થકી જેમનું જીવન સુગમ બન્યું છે એ લાભાર્થીઓ સાથે જ આપણે સીધી વાત કરીએ, અને જાણીએ. આજે લગભગ 18 જેટલા લાભાર્થીઓ સાથે આપણે સંવાદ કરીશું જેમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ ગ્રામીણ લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.
શ્રીમતી દર્શનાબેન સાથેના સંવાદમાં રાજેશ પ્રજાપતિ નામના લાભાર્થીએ કહ્યું કે તેમને પીએમ આવાસ યોજનામાં ઘર મળ્યું એનો આનંદ છે. શ્રીમતી જરદોશે પૂછ્યું કે આ માટે તમને કોઇ મુશ્કેલી પડી? લાગવગ લગાવવી પડી? જવાબમાં લાભાર્થીએ કહ્યું કે, ના, ડ્રોમાં નંબર લાગ્યો હતો. એવી જ રીતે પીએમ આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થી એવા ઓલપાડના રાકેશ દેવાભાઇ પટેલે કહ્યું કે 1.20 લાખ રૂપિયાની સહાયથી સારું ઘર મળી ગયું. કોરોનાને લીધે સમય વધારે ગયો પણ કોઇ તકલીફ પડી નહીં.
પીએમ આવાસ યોજના-શહેરીના લાભાર્થી સંજયભાઇએ કહ્યું કે મારી પત્નીનાં નામે સુરતના સિંગણપોરમાં નવું ઘર મળ્યું, હવા-ઉજાસવાળું ઘર છે, અને 24 કલાક પાણી મળી રહે છે. લિફ્ટ અને ગેસલાઇન પણ છે.
પ્રવીણ પરમાર નામના લાભાર્થીએ કહ્યું કે તેમના પરિવારને કેન્દ્ર સરકારની 11 જેટલી યોજનાઓનો લાભ મળ્યો છે એ માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માનીએ એટલો ઓછો છે. મને પીએમ આવાસ યોજના બહુ સારી લાગી. ચોમાસામાં અમને બહુ જ તકલીફો પડતી હતી પણ હવે પીએમ આવાસ યોજનામાં ઘર મળી ગયું છે.
નીરુબેન નામના લાભાર્થીએ કહ્યું કે તેમને જૉબ કાર્ડ હેઠળ નાણાં અને કામ મળે છે, વિધવા સહાય મળી રહી છે. મારાં નામે ઘર મળ્યું એનો વિશેષ આનંદ છે. શ્રીમતી જરદોશે જવાબમાં કહ્યું કે મહિલાઓનાં નામે ઘર એ બહુ મોટી વાત છે.
માંડવીના મનહર વસાવાએ કહ્યું કે કાચા મકાનમાં ઘણી તકલીફ પડતી હતી. આવાસ યોજનાનો લાભ બહુ મોટી વાત છે અને અમે ઉજ્જવલા યોજના, પીએમ આયુષ્માન યોજનાના લાભ પણ મેળવી રહ્યા છીએ.
રાહુલ વોરા નામના લાભાર્થીએ કહ્યું કે મમ્મીને વિધવા સહાય તેઓને 7 યોજનાઓનાં લાભો મળી રહ્યા છે. ગઈકાલે જ પત્નીને પીએમ આયુષ્માન ભારત હેઠળ લાભ મળ્યો.
વિરલ ઢોડિયા નામના લાભાર્થીએ કહ્યું કે આયુષ્માન ભારત આરોગ્ય યોજનાને લીધે ચલથાણની હૉસ્પિટલમાં પિતાનું ઓપરેશન સારી રીતે થઈ ગયું, અને તે પણ કેશલેસ. રાજુભાઇ નામના લાભાર્થીએ કહ્યું કે કોરોના મહામારીએ મારો ધંધો ખોરવી નાખ્યો અને શું કરવું એ સમજાતું ન હતું. એવામાં મુદ્રા યોજના હેઠળ લોન લીધી અને સોયા પનીરનો બિઝનેસ શરૂ કર્યો. આજે હું ચાર માણસને કામ આપું છું. આ મુશ્કેલ સમયમાં સરકારનો બહુ સારો સપોર્ટ મળ્યો.
કેટલાંક લાભાર્થીએ કહ્યું કે, તેઓને પીએમ આયુષ્માન ભારત યોજનાના કાર્ડ મળ્યા છે. પણ સહાય લેવાની નોબત આવી નથી. શ્રીમતી જરદોશે આનંદ વ્યક્ત કરતા કહ્યું કે આનાથી રૂડું શું? સૌ સ્વસ્થ રહેવા જોઇએ અને આ માટે તેમણે અપીલ કરી કે સૌ સ્વસ્થ રહેવા માટે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં અવશ્ય સામેલ થાય.
આ સંમેલનમાં ઉપસ્થિત લોકો અને મહાનુભાવોએ બાદમાં સિમલાથી પ્રધાનમંત્રીનો સીધો સંવાદ જીવંત નિહાળ્યો હતો અને પ્રધાનમંત્રીની કલ્યાણકારી યોજનાઓની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ધારાસભ્યો, સુરત મનપાનાં મેયર સહિતના પદાધિકારીઓ અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, કેન્દ્રની કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.