કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જૂનાગઢમાં મહંત રાજભારતી બાપુનો લમણે ગોળી ધરબી આપઘાત

Text To Speech

જૂનાગઢમાં આજે સાધુ સમાજમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. સોરઠના પ્રસિદ્ધ ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલીયા દાદાના મંદિરના મહંત રાજભારતી બાપુએ સવારના સમયે પોતાની જ પિસ્તોલથી લમણે જાતે ગોળી મારીને આત્મહત્યા કરી છે. તેના આપઘાતથી સમગ્ર સાધુ સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.

દારૂ પીતો વીડિયો થોડા દિવસ પહેલા થયો હતો વાયરલ

મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ રાજભારતી બાપુ દારૂ પીતા હોવાનો વીડિયો અને અન્ય કેટલાક ઓડિયો વાયરલ થયા હતા. જેના લીધે આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી રહી છે. રાજભારતી બાપુએ ઝાંઝરડા પાસે આવેલા પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં જીવન ટુંકાવ્યું છે. પોતાની લાયસન્સવાળી પિસ્તોલથી લમણામાં ગોળી મારતાં લોહીલુહાણ હાલતમાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું. આ મામલે પોલીસે અત્યારે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સાથે પ્રેમાલાપ કરતો વીડિયો આવ્યો હતો

મહત્વનું છે કે, રાજભારતી બાપુનો થોડા દિવસ અગાઉ વાયરલ થયેલા વીડિયોમાં તેઓ દારૂ પીવા ઉપરાંત અન્ય એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તેઓ એક મહિલા સાથે પ્રેમાલાપ કરતા નજરે પડ્યા હતા. તેમજ તેમના કેટલાક ઓડિયો વાયરલ થયા હતા. જેને લઇને જૂનાગઢ સહિતના પંથકના સાધુ-સંતો અને ભક્તોમાં તેમના પ્રત્યે ધૃણાનો ભાવ જોવા મળી રહ્યો હતો. જેના કારણે ડિપ્રેશનમાં આવીને આજે રાજ ભારતી બાપુએ આ પગલું ભર્યું હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

Back to top button