લ્યો બોલો! ફોટોગ્રાફર વિના લગ્ન કરવા પહોંચેલા વરરાજાને લીલાં તોરણે પરત ફરવું પડ્યું…
કાનપુરઃ હાલમાં, યુપીનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. વાસ્તવમાં, કાનપુરમાં એક છોકરીએ લગ્નના દિવસે ફેરા લેવાની ના પાડી દીધી કારણ કે વરરાજા ફોટોગ્રાફર લીધા વિના જ આવ્યો હતો. ફોટોગ્રાફર વિના દુલ્હન
થઈ નારાજ એટલું જ નહીં પણ કહી દીધુ કે, ફોટોગ્રાફર નહીં તો ફેરા નહીં ફરું.
લગ્ન માટે દરેક યુવક-યુવતીઓ વિભિન્ન પ્રકારના સપના સેવે છે. અને એ પૂર્ણ ન થાય તો ડખો તો થાય જ એતો સ્વાભાવિક બાબત છે. તેવામાં અત્યારે લગ્નોમાં ફોટોગ્રાફી અને ડાન્સનો પણ ઘણો ક્રેઝ જોવા મળે છે. ત્યારે કાનપુરમાં એક છોકરીને આવું જ એક સપનું હતું જે તેના લગ્નના દિવસે તૂટી ગયું હતુ. ફોટોગ્રાફર લીધા વિના આવેલા જાનૈયાઓ પર કન્યા ભડકીને લગ્ન મંડપ છોડીને ચાલી ગઈ. એ સમયે કન્યાને ખુબ સમજાવા છતાં કોઈ ઉકેલ આવ્યો નહીં. આખરે ફોટોગ્રાફર વિના આવેલા વરરાજાએ લીલા તોરણે દુલ્હનને લીધા વિના વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.
આ મામલો કાનપુર જિલ્લાના મંગલપુર વિસ્તારના એક ગામનો હોવાનું મનાય રહ્યું છે.લગ્નના દિવસે જ્યારે વરરાજા જાનૈયા સાથે પહોંચ્યો ત્યારે તેનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વરરાજા અને અન્ય મહેમાનો ખૂબ આદર સાથે બેઠા હતા, બધું બરાબર ચાલી રહ્યું હતું અને લગ્નની વિધિ થવા જ જઈ રહી હતી કે ફોટોગ્રાફરને ત્યાં ન જોઈને દુલ્હન ઉશ્કેરાઈ ગઈ અને લગ્ન કરવાની ના પાડી દીધી. લગ્નના ઈન્કારના સમાચાર સાંભળતા જ હોબાળો મચી ગયો હતો. કન્યાના પરિવારે તેને ખૂબ જ સમજાવી, પરંતુ તે લગ્ન માટે રાજી ન થઈ. આ દરમિયાન બંને પરિવારો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી, પરંતુ જ્યારે પણ દુલ્હનને પૂછવામાં આવ્યું ત્યારે તે માનતી ન હતી. જેના પછી સવાર પડતાં જ પોલીસને પણ બોલાવવામાં આવી હતી, પોલીસે આવીને સમજાવ્યું પણ કન્યાએ તેમની પણ વાત ન સાંભળી. છેવટે બંને પક્ષોએ લગ્ન ન કરવાનું વધુ સારું માન્યું અને જાન લીલા તોરણે પરત ફરી હતી.