પાલનપુર: હવે… તમે અંબાજી મંદિર પરિસરમાં મોબાઈલ લઈને નહીં જઈ શકો
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ એવા અંબાજી મંદિર ખાતે લાખો લોકો મા અંબાના દર્શન કરવા માટે આવે છે. દર્શન બાદ યાત્રાળુઓ મંદિર પરિસરમાં ઊભા રહીને મોબાઈલ દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરતા હોય છે.પરંતુ મંદિરે ટ્રસ્ટે હવે આ પ્રકારની ફોટોગ્રાફી ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. અને મંદિર પરિસરમાં કોઈપણ યાત્રાળુ હવે મોબાઈલથી ફોટોગ્રાફી કરી શકશે નહીં. તેમ છતાં જો ફોટોગ્રાફી કરતા પકડાશે, તો તેની સામે કાર્યવાહી કરાશે તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.
મોબાઇલથી ફોટોગ્રાફી કરવા પર મુકાયો પ્રતિબંધ
અંબાજી મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ છે. છતાં મંદિરના ગેટ નંબર 7 તથા ગેટ નંબર 9 થી યાત્રાળુઓ મોબાઇલ સાથે પ્રવેશ કરે છે. અને મંદિરના ચાચર ચોક તથા ગર્ભ ગૃહની ફોટોગ્રાફી કરે છે. આ બાબત મંદિર ટ્રસ્ટના ધ્યાને આવી હતી. આ અંગે તંત્રને પણ ફરિયાદો મળી હતી. જેથી હવે યાત્રાળુઓને મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે શક્તિ દ્વાર, ગેટ નંબર 7, ગેટ નંબર 8 અને ગેટ નંબર 9 થી જે યાત્રાળુઓને પ્રવેશ આપવામાં આવે છે. તેમની પૂરતી ચકાસણી કરીને પછી જ મંદિર પરિસરમાં પ્રવેશ અપાશે.
ભંગ કરનાર સામે થશે કાર્યવાહી
જ્યારે કોઈપણ યાત્રાળુ સમગ્ર મંદિર પરિસર, સભા મંડપ, નૃત્ય મંડપમાં કોઈપણ યાત્રાળુ હવે મોબાઈલ દ્વારા ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી શકશે નહીં. છતાં કોઈપણ યાત્રાળુ મોબાઈલથી ફોટોગ્રાફી કરતા પકડાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો :સૌરીન અને અંશુલના મૃતદેહને વતનમાં મોકલવા ન્યૂઝીલેન્ડ ગુજરાતી સમાજ આવ્યો પરિવારની વ્હારે