તો દેશને ત્યારે મળ્યો હોત પરમાણુ બોમ્બ….પ્લેન ક્રેશમાં હોમી ભાભાનું મોત ! અકસ્માત કે કાવતરું ?
24 જાન્યુઆરી, 1966ના રોજ, ભારતના પરમાણુ પ્રોગામ જનક તરીકે ઓળખાતા ડો. હોમી જહાંગીર ભાભાનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. હોમી ભાભાનું અવસાન એવા સમયે થઈ ગયું જ્યારે તેમના મૃત્યુના ત્રણ મહિના પહેલા ઓલ ઈન્ડિયા રેડિયોને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો તેમને ચારે બાજુથી લીલી ઝંડી મળે તો ભારત 18 મહિનામાં પરમાણુ બોમ્બ બનાવી શકે છે.
અકસ્માત પહેલા હોમી ભાભા એર ઈન્ડિયાની ફ્લાઈટ 101માં બેસીને મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહ્યા હતા. પ્રવાસ દરમિયાન ફ્લાઈટ યુરોપના સૌથી ઊંચા પર્વત મોન્ટ બ્લેન્ક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં હોમી ભાભા સહિત તમામ 117 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ પ્લેન ક્રેશ થવાનું કારણ એરક્રાફ્ટના પાયલોટ અને જિનીવા એરપોર્ટ વચ્ચેની ખોટી વાતચીત હોવાનું કહેવાય છે. જો કે, આ વિમાન દુર્ઘટનામાં હોમી ભાભાના મૃત્યુને લઈને ઘણા ખુલાસા અને દાવા કરવામાં આવ્યા હતા, જેણે સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો.
વર્ષ 2008માં પ્રકાશિત થયેલા એક પુસ્તકમાં આ દુર્ઘટનાને અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAનું ષડયંત્ર ગણાવવામાં આવ્યું હતું. જો કે, આ ક્યારેય સાબિત થઈ શક્યું નથી, પરંતુ આ આરોપો પછી, હોમી ભાભાના મૃત્યુનું રહસ્ય વધુ ઘેરાતું ગયું.
શું પ્લેન ક્રેશના કાવતરામાં અમેરિકા સામેલ હતું?
હોમી ભાભાના મૃત્યુ પાછળ અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAનો હાથ હોવાની ચર્ચા અગાઉ પણ થઈ ચૂકી છે. એવું પણ કહેવાતું હતું કે CIAએ ભાભાના મૃત્યુનું કાવતરું ઘડ્યું હતું કારણકે અમેરિકા ભારતમાં પરમાણુ શક્તિ આવે એવું ઈચ્છતું ન હતું. વર્ષ 2008માં, વિદેશી પત્રકાર ગ્રેગરી ડગ્લાસના પુસ્તક ‘Conversation With the Crow’માં ડગ્લાસ અને CIA ઓફિસર રોબર્ટ ક્રોલી વચ્ચેની વાતચીતના અંશ ઉમેરવામાં આવ્યા હતા. તેની અંદર ડગ્લાસે ભારતીય વૈજ્ઞાનિક હોમી ભાભાના મૃત્યુ પાછળ અમેરિકી ગુપ્તચર એજન્સી CIAનું ષડયંત્ર હોવાનો દાવો કર્યો હતો.
તેની પાછળ એવી થિયરી આપવામાં આવી હતી કે અમેરિકાને ભારત જેવા દેશોની ચિંતા છે. કારણકે આવા દેશો શસ્ત્રોની સાથે પરમાણુ ઉર્જા પ્રાપ્ત કરવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા હતા. વર્ષ 1945 સુધી માત્ર અમેરિકા પાસે જ પરમાણુ શક્તિ હતી. જો કે, અમેરિકાનું સામ્રાજ્ય લાંબું ટકી શક્યું ન હતું અને વર્ષ 1964 સુધીમાં સોવિયત સંઘ અને ચીને પણ પરમાણુ પરીક્ષણો કર્યા હતા.
પુસ્તક અનુસાર, વર્ષ 1965માં જ્યારે ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ જીત્યું ત્યારે અમેરિકા બેચેન થઈ ગયું હતું. યુદ્ધ જીત્યા બાદ ભારતે પરમાણુ ઉર્જા તરફ ઝડપથી આગળ વધવાનું શરૂ કર્યું, જેને જોઈને અમેરિકાની ચિંતા વધુ વધી ગઈ. પુસ્તકમાં, રોબર્ટ ક્રોલી, જેઓ CIAના અધિકારી હતા, તેમણે ભાભાના વિમાન દુર્ઘટના પાછળનું કાવતરું સ્વીકાર્યું હતું.
2017માં એક પર્વતારોહીએ નવો ખુલાસો કર્યો હતો
હોમી ભાભાના મૃત્યુના લગભગ 16 વર્ષ પહેલા 1950માં મોન્ટ બ્લેન્ક પર એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 48 લોકોના મોત થયા હતા. વર્ષ 2017માં ડેનિયલ રોચે નામના ક્લાઇમ્બરે દાવો કર્યો હતો કે તેને ક્રેશ સાઇટની નજીક વિમાનના કેટલાક અવશેષો મળ્યા છે. જો કે, તે સ્પષ્ટ થયું નથી કે જે ટુકડાઓ મળી આવ્યા તે 1950ના પ્લેન ક્રેશના છે કે 1966ના પ્લેન ક્રેશના જેમાં હોમી ભાભા પણ સવાર હતા.
તે જ સમયે, રોશેને અન્ય વિમાનનું એન્જિન પણ મળ્યું. આ બધી બાબતો જોઈને રોશે માન્યું કે હોમી ભાભા જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તે અકસ્માત સમયે બીજા વિમાન સાથે અથડાઈ હતી. રોશેનું કહેવું છે કે જો પ્લેન નંબર 101 સીધુ પહાડો સાથે ક્રેશ થયું હોત તો મોટો વિસ્ફોટ થવો જોઈતો હતો, કારણકે તે સમયે પ્લેનમાં લગભગ 41 હજાર ટન તેલ હતું.
રોશેએ વધુમાં કહ્યું કે તેમનું માનવું છે કે આ વિમાન ઈટાલિયન વિમાન સાથે અથડાયું હોવું જોઈએ. પરંતુ આટલી ઉંચાઈ પર ઓક્સિજન એટલો ઓછો હશે કે ટક્કર બાદ વિસ્ફોટ થવાની કોઈ શક્યતા જ ન રહી હોત. હોમી ભાભા વિશે રોશે કહ્યું, “તેઓ જાણતા નથી કે તે અકસ્માત હતો કે કાવતરું અને ભાભા ભારતને પહેલો અણુ બોમ્બ આપવાના હતા… મને લાગે છે કે તે મારી ફરજ છે કે હું પુરાવાના આધારે વિશ્વને સત્ય જણાવું.” જો ભારત સરકાર ઇચ્છે તો હું તેમને આ દસ્તાવેજો અને દુર્ઘટના સમયે મુસાફરોનો પડેલો સામાન આપવા તૈયાર છું.
ભાભા ભારતને અણુશક્તિ સાથે આગળ વધારવા માંગતા હતા
ભારતમાં પરમાણુના પિતા તરીકે ઓળખાતા હોમી ભાભા જાણીતા પરમાણુ ભૌતિકશાસ્ત્રી હતા. તેમણે કેમ્બ્રિજમાં અભ્યાસ કર્યો, જ્યાં તેમને તેમના કામ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી. ભાભાએ કેવેન્ડિશ લાઇબ્રેરીમાં પણ કામ કર્યું છે, જ્યાં ઘણી મોટી શોધો થઈ છે. જ્યારે બીજુ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે હોમી જહાંગીર ભાભા ભારત આવ્યા હતા. તેઓ ભારત સાથે એટલા જોડાયેલા હતા કે તેમણે અહીં જ રહેવાનું મન બનાવી લીધું હતું. ભારતમાં, હોમી ભાભાએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં સીવી રામનની લેબમાં કામ કરવાનું શરૂ કર્યું. જે પછી તેઓ મુંબઈમાં ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના સ્થાપક અને નિર્દેશક બન્યા.
ભાભા માનતા હતા કે જો ભારતને વૈશ્વિક શક્તિ તરીકે આગળ વધવું હશે તો તેણે તેની પરમાણુ ક્ષમતાઓ વિકસાવવી પડશે, અને એટમ બોમ્બ પણ વિકસાવવો પડશે. હોમી ભાભાએ તેમના નજીકના મિત્ર અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને કહ્યું હતું કે માત્ર વિજ્ઞાન જ પ્રગતિનો માર્ગ છે.