પાલનપુર : સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 18મા દીક્ષાંત સમારોહમાં 36 છાત્રોને સુવર્ણપદક એનાયત
- *યુવાનોના પરિશ્રમથી ભારત પ્રગતિના પંથે આગળ વધશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
- * કૃષિ અને કૃષિકારોના સર્વાગી વિકાસમાં સહભાગી થઇ રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરીએ : કૃષિમંત્રી
- *33 વિદ્યાર્થીઓને પીએચ.ડી., 164 ને સ્નાતકોતર પદવી, 338 વિદ્યાર્થીઓને સ્નાતકની પદવી એનાયત
પાલનપુર : સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 18મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પદવી મેળવીને જવાબદાર નાગરિક બનેલા છાત્રો, આ દેશના મેધાવી, પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી યુવાનો પોતપોતાના ક્ષેત્રોમાં પ્રમાણિકતાપૂર્વક પરિશ્રમ કરે તો ભારત રાષ્ટ્ર ગરિમાપૂર્ણ પ્રગતિના પંથે આગળ વધશે. વર્તમાન સમયના અનેક પડકારોના ઉકેલ માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ જ સફળ વિકલ્પ છે, એમ કહીને તેમણે કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક ખેતીમાં ઓછા પાણીના ઉપયોગથી વધુ ઉત્પાદન આપે એવા બિયારણ માટે સંશોધનો કરવા આહ્વાન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કૃષિ-પશુપાલન-ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલ આ સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.
36 છાત્રોને સુવર્ણપદક, 33 વિદ્યાર્થીઓને પીએચ.ડી., 164 વિદ્યાર્થીઓને સ્નાતકોતર પદવી અને 338 વિદ્યાર્થીઓને સ્નાતકની પદવી એનાયત કરીને કુલાધિપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતની ધરતીના સપૂત અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ત્યાગ, તપસ્યા, પરિશ્રમ અને નિ:સ્વાર્થ કર્તવ્યભાવથી રાષ્ટ્ર ચૌમુખી વિકાસ કરી રહ્યું છે, પ્રગતિ અને ઉન્નતિના નવા કીર્તિમાન પ્રસ્થાપિત કરી રહ્યું છે. આ દેશના યુવાનો આવા આદર્શ વ્યક્તિત્વ સાથે મજબૂતાઈથી જોડાઈને દેશની પ્રગતિ માટે દ્રઢતાપૂર્વક પ્રયત્નશીલ થાય તો આ દેશને વિશ્વગુરુ બનતા કોઈ નહીં રોકી શકે.
પેસ્ટીસાઈડ્સના દુષ્પરિણામો
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સના ઉપયોગના દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. ગ્લોબલ વૉર્મિંગ માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ 24% જવાબદાર છે. આ પ્રકારની ખેતીથી ખેડૂતોનો ખર્ચ વધ્યો છે, શરીર અનેક રોગોનું ઘર બન્યું છે, ભૂમિનું ઓર્ગેનિક કાર્બન ઓછું થયું છે. જો આમ જ ચાલ્યું તો આપણે આપણી આવનારી પેઢીને વારસામાં વેરાન જમીન આપતા જઈશું. પીવા માટે શુદ્ધ પાણી પણ નહીં આપી શકીએ. તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ છે. પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન વધુ મળે છે, કૃષિ ખર્ચ સાવ શૂન્ય થઈ જાય છે, સારા બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃતથી ધરતીની ફળદ્રુપતા વધે છે. આચ્છાદનથી પાણીનો વપરાશ ઓછો થાય છે. વાપ્સાના નિર્માણથી ઓર્ગેનિક કાર્બન વધે છે અને એક સાથે અનેક પાક લઈ શકાય છે.
ત્રણ લાખ ખેડૂતો કરે છે પ્રાકૃતિક ખેતી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના પ્રયત્નોથી ગુજરાતમાં આજે ત્રણ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને સારા પરિણામો મેળવી રહ્યા છે. ભારતને સમૃદ્ધિ તરફ આગળ લઈ જવા આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવાની આવશ્યકતા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુવર્ણપદક અને પદવીઓ હાંસલ કરનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપીને પરમાત્મા તેમની પ્રગતિનો માર્ગ પ્રશસ્ત કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.
રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરીએ
પદવીદાન સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, અહીંથી પ્રાપ્ત કરેલ જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી કૃષિ અને કૃષિકારોના સર્વાગી વિકાસમાં સહભાગી થઇ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરીએ. તેમણે કહ્યું કે, ગુજરાત રાજ્યને કૃષિ વિકાસના સંદર્ભમાં મોડેલ સ્ટેટ તરીકે જોવામાં આવે છે. 1960 અને 1970ના દાયકામાં પંજાબ અને હરીયાણાએ કૃષિક્ષેત્રે બહુ સારું પ્રદર્શન કર્યુ હતું. જ્યારે વર્ષ-2000 પછીના સમયગાળામાં ગુજરાત રાજ્ય કૃષિક્ષેત્રે ખુબ જ પ્રભાવિ રહ્યું છે. કારણ કે હરિયાળી ક્રાંતિની પરકાષ્ઠા દરમિયાન પંજાબમાં નોંધાયેલ કૃષિ વિકાસદરને પણ ગુજરાત વટાવી ગયું છે. ગુજરાતે 9.6 ટકાના દરે કૃષિ વિકાસ દર હાંસલ કર્યો છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમને ઉમેર્યું હતી કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર ખેડૂતોને કૃષિની તમામ યોજનાઓમાં જરૂરી સહાય કરીને વિકાસની વણથંભી યાત્રાને વેગવંતી બનાવવા કટિબધ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા માસિક રૂ. 900/- સહાય અને જીવામૃત બનાવવા ડ્રમની સહાય આપવામાં આવે છે. ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે. આગામી સમયમાં રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે રૂ. 100 કરોડનું ફંડ રાજ્ય સરકારે આપવાનું નક્કી કર્યુ છે.
ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હીના વિસ્તરણ શિક્ષણના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ર્ડા. ઉધમસિંહ ગૌતમે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન છે. ગુજરાતે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે કૃષિ ક્ષેત્રે પણ હરણફાળ વિકાસ કર્યો છે. ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનારું રાજ્ય છે. તેમણે કહ્યું કે, ભારત સરકારે વર્ષ- 2024 સુધીમાં 5 ટ્રીલીયન ડોલરની ઇકોનોમી બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે તેને હાંસલ કરવામાં ગુજરાતની ભૂમિકા ખુબ મહત્વની રહેશે. શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ સિધ્ધિ બદલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વિદ્યાર્થીની સાલુ પ્રજાપતિએ વિવિધ કેટેગરીમાં 8 ગોલ્ડ મેડલ જ્યારે યશ પટેલ અને અલકા બરોલીયાએ 6-6 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રી ર્ડા. જે. આર. વડોદરીયા, રાજ્યની અન્ય કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, યુનિવર્સિટીના ડીન, આચાર્યો, પ્રોફેસર્સ અને વિદ્યાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : વ્યાજખોરો સામે ગુજરાત પોલીસે શરૂ કરી મદદની હેલ્પલાઇન, જાણો કેવી મદદ મળશે ?