છટણી…છટણી…છટણીઃ કોરોનાકાળ બાદ ટેક સેક્ટરને કેમ લાગ્યુ ગ્રહણ?
ગયા મહિને ઘણી બધી ટેક કંપનીઓ તેણે કરેલી છટણીના કારણે ચર્ચાઓમાં રહી. આ સમય દરમિયાન ટેક કંપનીઓમાં કામ કરનાર કર્મચારીઓની નોકરી પર ખતરો મંડરાઇ રહ્યો છે. કર્મચારીઓના ઇમેલ બોક્સમાં નોકરીમાંથી છુટા કરાયા હોવાના મેલ પહોંચી ગયા છે. માઇક્રોસોફ્ટ અને ગુગલ આલ્ફાબેટે હજારો કર્મચારીઓને એક ઝાટકે નોકરીમાંથી કાઢી મુક્યા છે. આજ હાલત મેટા, એમેઝોનની પણ છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કેમ અચાનક બહારથી શાઇનિંગ મારતા આ સેક્ટરમાં છટણીનો સમય આવ્યો.
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ ગયા વર્ષે લગભગ 1,00,000 લોકોએ નોકરી ગુમાવી છે. 2023માં પણ તે ક્રમ જારી જ છે. બે ડઝનથી વધુ અમેરિકી ટેક કંપનીઓએ કહ્યુ કે તેઓ પોતાના કર્મચારીઓની સંખ્યામાં 10 ટકા કે તેનાથી વધુનો ઘટાડો કરશે.
કોરોના બાદ બગડી હાલત
દુનિયાભરની ટેક કંપનીઓમાં છટણી કેમ થઇ રહી છે. આ સવાલના જવાબમાં એક્સપર્ટ્સનું કહેવુ છે કે કોવિડ મહામારીના સમયે લાગેલા લોકડાઉન દરમિયાન ટેક કંપનીઓમાં મોટા પ્રમાણમાં હાયરિંગ થયુ હતુ. ત્યારે માહોલ અનુકુળ હતો, પરંતુ જેમ જેમ લોકડાઉનના પ્રતિબંધો હળવા થયા તેમ તેમ માર્કેટ ખુલ્યા અને ટેક સેક્ટરની પરિસ્થિતિ બગડવા લાગી. Salesforceના સીઇઓ માર્ક બેનિઓફે જાન્યુઆરી 2023ના પહેલા અઠવાડિયામાં આઠ હજાર કર્મચારીઓને છુટા કરવાની જાહેરાત કરી હતી. તેમણે એક નિવેદન આપતા કહ્યુ કે લોકડાઉન દરમિયાન લાખો લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા. આ કારણે કંપનીની ટેકનોલોજીની ડિમાન્ડ વધી હતી, પરંતુ જેમ જેમ લોકો પરત ઓફિસ આવવા લાગ્યા તેમ તેમ ટેકનોલોજીની જરૂરિયાત ઘટી હતી.
આર્થિક મંદીનો ડર
ટેક કંપનીઓમાં થઇ રહેલી છટણી પાછળની એક દલીલ એ પણ છે કે આર્થિક મંદી દરેક જગ્યાએ વધી ગઇ છે. કંપનીઓ ગ્લોબલ મંદીના કારણે વૈશ્વિક સ્તરે છટણી કરી રહી છે. ભારતીય ટેક અને એડટેક કંપનીઓ પણ કોસ્ટ કટિંગમાં જોડાઇ ગઇ છે. આવા સંજોગોમાં ભારતીય ટેક કંપનીઓમાં થઇ રહેલા કોસ્ટ કટિંગે એ સવાલ ઉભો કર્યો છે કે શું ભારતના આઇટી સેક્ટરમાં પણ મંદી વધવાની છે? ભારતે હજુ સુધી વિપ્રોના કર્મચારીઓને નોકરીમાંથી બહાર કર્યા છે. કંપનીએ જણાવ્યુ કે અમારે 452 ફ્રેશર્સને બહાર કરવા પડ્યા હતા, કેમકે ટ્રેનિંગ બાદ પણ વારંવાર એસેસમેન્ટમાં તેમણે ખરાબ પર્ફોમન્સ આપ્યુ હતુ.
આ પણ વાંચોઃ વડાપ્રધાન શા માટે 26 જાન્યુઆરીએ તિરંગો ફરકાવતા નથી ? જાણો તેની પાછળનું કારણ