પાલનપુરનાં: દાંતામાં વ્યાજખોરનો આતંક : રૂ. 1 લાખના 3 લાખ ચૂકવ્યા, છતાં વ્યાજની માગણી ચાલુ રાખી પીડિત પર કર્યો હુમલો
- પીડિતે ગાય લાવવા માટે ગામના વ્યાજખોર પાસેથી વ્યાજે રૂ. એક લાખ લીધા હતા
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તાર દાંતા તાલુકાના નાગેલ ગામના એક યુવકે ગામના જ વ્યક્તિ પાસેથી રૂપિયા એક લાખ વ્યાજે લીધા હતા જેનું ત્રણ લાખ વ્યાજ ચૂકવ્યા છતાં પણ વ્યાજખોરની માગણી ચાલુ રહેતા પીડિત ચૂકવી શક્યો ન હતો. જેથી વ્યાજખોરે તેના પર હુમલો કરતા સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, દાંતા તાલુકાના નાગેલ ગામમાં મોમીન રુસ્તમ રહીમભાઈ રહે છે. જેને ગામના એક વ્યાજખોર પાસેથી ગાયો લાવવા માટે રૂપિયા એક લાખની રકમ વ્યાજે લીધી હતી. અને તેનું નિયમિત રીતે વ્યાજ ચૂકવતો હતો. જેમાં રુસ્તમે રૂપિયા એક લાખના ત્રણ લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવાનો જણાવ્યું હતું. પરંતુ તાજેતરમાં આવેલા લમ્પી વાયરસના કારણે રુસ્તમની દૂધની આવક ઘટી ગઈ હતી. અને આવકનો સ્ત્રોત બંધ થતાં ચારથી પાંચ માસનું વ્યાજ ગામના વ્યાજખોરને આપી શક્યો નહોતો.
દરમિયાન રુસ્તમ ગામના બસ સ્ટેન્ડે ઉભો હતો ત્યારે વ્યાજખોરે ત્યાં બાઈક ઉપર આવીને વ્યાજ આપવાની માગણી કરી હતી. અને આ દરમિયાન પીડિત ઉપર હુમલો કરી દીધો હતો. જેથી પીડિતને ચક્કર આવતા તે પડી ગયો હતો. જેને બાદમાં ગામના લોકોએ દાંતાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. આ ઘટનાને લઈને નાગેલ ગામમાં ચકચાર મચી છે. અને પિડીત રુસ્તમ મોમીને વ્યાજખોર સામે પગલાં લેવાની માગણી કરી છે.
આ પણ વાંચો :ICCએ 2022ની સર્વશ્રેષ્ઠ T20 ટીમની કરી જાહેરાત, આ ભારતીય ખેલાડીઓના નામ થયા સામેલ