રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોલ્ડવેવની અસર વર્તાઇ છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના શહેરોમાં કોલ્ડવેવની અસર દેખાઇ છે. તેમજ કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની અસર રહેશે. તેમજ સિદ્ધપુર 9 ડિગ્રી, નલિયા 6.08 ડિગ્રી, સુરત 13.01 ડિગ્રી, પોરબંદર 14.04 ડિગ્રી, બનાસકાંઠા 9.04 ડિગ્રી તથા પાટણ 8.05 ડિગ્રી તાપમાન રહ્યું છે.
અમદાવાદમાં 9.03 ડિગ્રી તાપમાન રહ્યું
રાજ્યના હવામાન વિભાગની આગાહી છે કે આગામી સમયમાં ઠંડી વધવાની છે. જેમાં અમદાવાદમાં 9.03 ડિગ્રી તાપમાન રહ્યું છે. ત્યારે ગાંધીનગર 8.03 ડિગ્રી, વડોદરા 12.02 ડિગ્રી, કેશોદ 10.01 ડિગ્રી અને કચ્છ 7.02 ડિગ્રી તાપમાન સાથે હાડ થીજવતી ઠંડી પડી રહી છે.
25, 26 અને 27 જાન્યુઆરીએ ઠંડી પડવાની શક્યતાઓ
ગુજરાતભરમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે આગામી પશ્ચિમી વિક્ષોભનના કારણે તાપમાનમાં ઘટાડો થશે. એટલું જ નહીં, આગામી સમયમાં નલિયામાં પણ તાપમાન ઘટી શકે છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. 25, 26 અને 27 જાન્યુઆરીએ ઠંડી પડવાની શક્યતાઓ વધુ છે અને તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું વધુ પ્રમાણ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે.
કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડી શકે છે
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાં 25 જાન્યુઆરીથી ફરી ઠંડી વધશે. ઠંડી સાથે માવઠાનો પણ માર પડશે. બે દિવસ બાદ માવઠું થઇ શકે છે. 23થી 29 જાન્યુઆરી સુધી માવઠાની આશંકા છે. કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડી શકે છે. જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.