એક તરફ કેન્દ્ર સરકાર સામે મોંઘવારીના મુદ્દા પર વિરોધ પક્ષ તરફથી પ્રહાર થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ 9 રાજયોમાં વિધાનસભાની ચૂંટણીના કારણે ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની વાતો શરૂ થઈ ગઈ છે. આ અંગે કેન્દ્રીય પેટ્રોલયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ કહ્યું કે, તેલ ઉત્પાદક કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા જોઇએ. કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત સતત નિયંત્રણ હેઠળ આવી રહી છે.
આ સાથે જ પૂરીએ ફરી એક વખત કંપનીઓને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા માટે કહ્યું અને સાથે જ કેટલાંક રાજ્યાોમાં વેટ નહીં ઘટાડવાની પણ વાત કરી છે. પુરીએ કહ્યુંકે, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધવા છતાં કેન્દ્ર સરકારે નવેમ્બર 2021 અને મે 2022માં એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો, પરંતુ કેટલીક રાજ્ય સરકારોએ વેટમાં ઘટાડો કર્યો ન હતો. જેના કારણે તે રાજ્યોમાં તેલના ભાવ હજુ પણ ઊંચા છે. હરદીપ પુરી બનારસના ગંગા ઘાટ પર CNG બોટ રેલીમાં બોલી રહ્યા હતા.
આ નિવેદન એવા સમયે આવ્યું છેકે જ્યારે આ વર્ષે 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે. જે 2024 ની લોકસભાની ચૂંટણી પહેલાં સૌથી મહત્વની અને સત્તાની સેમીફાઇનલ ગણવામાં આવી રહી છે. જેમાં ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. તમામ રાજ્યોના પરિણામો 2 માર્ચે જાહેર કરવામાં આવશે. જ્યારે કર્ણાટક, મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણામાં પણ આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે.
આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી : ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી, 2 માર્ચે પરિણામ
દેશમાં હાલ ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ અને ડિઝલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડિઝલની કિંમત રોજ નક્કી કરે છે. જેમાં છેલ્લા ઘણાં સમયથી વધારો કે ઘટાડો નોંધવામાં આવ્યો નથી. જેના કારણે કંપનીઓને છેલ્લા 11 મહિનાથી વધુ સમય સુધી કોઇ નુકસાન નથી. જેથી કેન્દ્રીય મંત્રીનો સીધું પ્રેશર પણ યોગ્ય છે.