રાજકોટઃ રખડતાં ઢોરનો ત્રાસ રોકવા કોર્પોરેશન એક્શન મોડમાં, દિવસ હોય કે રાત્રે ફરિયાદ મળતાં જ તાત્કાલિક કાર્યવાહીના મેયરના આદેશ
રાજ્યના અનેક શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. વડોદરામાં એક પછી એક ઘટનાઓ સામે આવ્યા બાદ રાજકોટમાં પણ હાલમાં જ બનેલી એક ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. તો કેટલાક વિસ્તારમાં રખડતા ઢોરના કારણે લોકોને ઈજાઓ પહોંચી હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. ત્યારે રહીરહીને પણ હવે તંત્ર જાગતા રખડતા ઢોરને પકડવા માટે પાલિકા એક્શનમાં મોડમાં આવી ગઈ છે.
રાજકોટમાં રખડતા ઢોર મામલે RMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. જે અંતર્ગત રખડતાં ઢોરની ફરિયાદ રાતના સમયે મળશે તે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ઢોર પકડવા માટે પાર્ટી રાત્રીના સમયે પણ રસ્તા પર રખડતાં ઢોર પકડશે.
રાજકોટ મેયર ડો.પ્રદીપ ડવ દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા દિવસ હોય કે રાત ગમે ત્યારે ફરિયાદ આવે એટલે તુરંત જ કાર્યવાહી કરવામાં આવે. નોંધનીય છે કે, શહેરના રસ્તાઓ પર ભૂખ્યા ઢોર ખોરાકની શોધમાં આમથી તેમ ફરતા હોય છે અને પછી શહેરીજનોને પરેશાન કરતા હોય છે. ત્યારે રાજકોટ મેયર દ્વારા હવે દિવસ-રાત ઢોર પકડવા માટે ઝુંબેશ હાથ ધરવા નક્કી કરાયું છે.