અમદાવાદના વેપારી સાથે 2 કરોડ 81 લાખની ઠગાઇ, વડોદરાના આરોપી રણુ ભરવાડની બે પઝેરો કાર જપ્ત, સાગરીતની ધરપકડ
અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા વેપારી સાથે 2 કરોડ 81 લાખની ઠગાઇના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી રણુ ભરવાડની બે પઝેરો કાર જપ્ત કરી છે. સાથે જ આ કેસમાં સાગરીત સુરેશ ભરવાડની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ગત એપ્રિલ મહિના વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચમાં અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા વેપારી નુપલ નરેન્દ્રભાઇ શાહે આરોપી રણુભાઇ ભીખાભાઇ ભરવાડ, રાજગુરૂ રાધેબાપુ, જીતેન્દ્ર ઉર્ફે પપ્પુ જૈન, મનોજ સજ્જનરાવ નિકમ, રૂપનેર રામા રાવ, જી.વી.સુધીંદ્ર, અને વિજય રણુભાઇ ભરવાડ સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે રણુ ભરવાડ સહિતના આરોપીઓએ સપ્ટેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021 સુધીના સમયગાળામા મૂડી રાકણ સહિતના બહાના બનાવી નુપલ શાહના ખાતામાંથી RTGS/NEFT દ્વારા કુલ 2 કરોડ 81 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. વેપારીએ રૂપિયા પરત માંગતા તેમને એક્સીસ બેંકના પેમેન્ટ બુકીંગ ટ્રેકિંગ રીસીપ્ટ તથા રેમીટન્સને લગતા ડોક્યુમેન્ટ તથા થાઇબેવરેજીસ કંપનીનો ખોટો લેટરપેડ આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.
આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.ખેરની ટીમે આ ગુનાની તપાસ દરમ્યાન આ ગુનાના મુખ્ય આરોપી રણુ ભરવાડે ઠગાઇનો ગુનો કરવા માટે ઉપયોગ લીધેલી બે પઝેરો ફોરવ્હીલ ગાડી જપ્ત કરી છે. તેમજ આ ગુનાની તપાસ દરમ્યાન સાગરીત સુરેશભાઇ નાથાભાઇ ભરવાડ (રહે. ગોપી પાર્ટીપ્લોટની બાજુમા, સેવાસી કેનાલ, ગોત્રી વડોદરા)ના મોબાઇલ ફોનથી વેપારી નુપલ શાહનો વિશ્વાસ સંપાદિત કરવા ભારતીય રીઝર્વ બેંક તથા ભારત સરકારની પ્રતિષ્ઠીત સંસ્થાઓના તથા દિલ્હી હાઇકોર્ટ તથા ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ લંડન ખાતેની ઓફિસના બનાવટી દસ્તાવેજો બતાવી ખોટી કિંમતી જામીનગીરીના દસ્તાવેજોની પી.ડી.એફ. ફાઇલ મળી આવી હતી. જેથી સુરેશ ભરવાડની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી બે દિવસની પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.