પાલનપુર: ડીસામાં નશીલી દવા સાથે ઝડપાયેલા આરોપીને ફરમાવાઈ 20 વર્ષની કેદ, બે લાખ દંડ
પાલનપુર: ડીસામાં બે વર્ષ અગાઉ ઝડપાયેલા પ્રતિબંધ દવાઓના જથ્થાના કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી હોવાની ઘટના સામે આવી છે. ડ્રગ્સના રવાડે ચડી યુવાધન બરબાદ ન થાય અને આવા ગુન્હાઓ બનતા અટકે તે માટે ડીસા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત સહિત દેશભરમાં ડ્રગ્સનો કારોબાર ખૂબ જ ફુલ્યો ફાલ્યો છે. તેના કારણે યુવાધન દિવસને દિવસે બરબાદીના પંથે જઈ રહ્યું છે.
બે વર્ષ અગાઉ તુષાર ઠક્કર પ્રતિબંધિત દવા સાથે ઝડપાયો હતો
ડીસામાં અમૃત નગરમાં રહેતા તુષાર ઠક્કરના ઘરેથી બે વર્ષ અગાઉ પ્રતિબંધિત દવાઓનો જંગી માત્રામાં જથ્થો ઝડપાયો હતો. જે મામલે પોલીસ સહિતની ટીમોએ ઝીણવટભરી તપાસ કરી હતી. આ અંગેનો કેસ ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં આ માત્ર પ્રતિબંધિત દવાઓ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય રેકેટ છે અને યુવાધન આવી નશીલી દવાઓના રવાડે ચડી બરબાદ થઈ રહ્યું છે.
તેવી સરકારી વકીલ નીલમબેન બ્રહ્મભટ્ટની દલીલોને કોર્ટે ધ્યાનમાં રાખી બીજી એડિશનલ સેશન્સ કોર્ટના જજ આર.આર. ભટ્ટે ગુન્હાની ગંભીરતા જોઈ આરોપી તુષાર હિંમતલાલ ઠક્કરને એનડીપીએસ એક્ટની કલમ 22સીના ગુનામાં કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ ન ભરે તો વધુ બે વર્ષની સજા કરવાનો હુકમ ફરમાવ્યો છે.
ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે દેશનું યુવાધન નશીલી દવાઓના રવાડે ચડી બરબાદ થઈ રહ્યું છે. ત્યારે આવા ગુનાઓ બનતા અટકે અને ભવિષ્યમાં આવા ગુનાઓ કરતાં લોકો ખચકાય તે માટે નામદાર કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.
આ પણ વાંચો :પાલનપુર : છાપીમાં વ્યાજખોરના ત્રાસને કારણે વેપારીની આત્મહત્યા