પાલનપુર : વેરો નહી ભરનારા અંબાજીના 10 બાકીદારોની દુકાનો કરાઈ સીલ
- વેરાની સ્થળ ઉપર વસુલાતથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો
પાલનપુર :બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં વેરો નહીં ભરનારા બાકીદારો સામે તંત્ર આક્રમક થયું છે. અને સ્થળ ઉપર જ વેરાની વસૂલાત કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે 10 જેટલા બાકીદારોની દુકાનો સીલ કરવામાં આવી હતી. જેને લઈને બાકીદારોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે.
અંબાજી ખાતે મકાનો અને દુકાનો સહીત ઘણી હોટેલો ગેસ્ટ હાઉસ, ફ્લેટ, બંગલા અને વાણિજય એકમો આવેલા છે. અંબાજી ગ્રામ પંચાયતની મુખ્ય આવક વેરાની રકમ છે, પરંતુ નવાઈની વાત એ છે કે, અંબાજીના કેટલાક વગદાર અને ઓળખાણ ધરાવતા વેપારીઓ અને મકાન ધરાવતા લોકો વ્યવસાય વેરો સમયસર ભરતા નથી. એટલે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા અવાર નવાર બાકીદારોને નોટીસ અપાઈ હતી. તેમજ લોકોને માહિતી મળે તે માટે રિક્ષા ફેરવી જાગૃત કરાયા હોવા છતાં મોટાભાગના લોકોએ વેરો ભરવામાં ઉદાસીનતા દાખવી હતી. જેથી ગ્રામ પંચાયત દ્વારા સ્થળ પર મિલ્કત વેરો વસૂલવા ની કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરાતા અંબાજીના બજારોમાં સોપો થઈ ગયો હતો.
જ્યારે અંબાજી ગ્રામ પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઝુંબેશ 4 થી 5 દીવસ ચાલશે, અને જે લોકો વેરો નહી ભરે તેમની મિલ્કતો સીલ કરવામાં આવશે. જ્યારે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા 10 જેટલી દુકાનો સીલ કરવામાં આવી હતી. સ્થળ પર મિલ્કત સીલ કરવા જતા 11 દુકાન ધારકોએ વસૂલાત ભરી હતી. જેમાં સીલ કર્યા બાદ 4 દુકાન ધારકોએ રૂપિયા ભરતા તેમની મિલ્કતો ખોલી અપાઈ હતી. આમ ગ્રામ પંચાયતને અંદાજે 3.5 લાખની વેરાની આવક થઇ હતી.
અંબાજીમાં કરોડો રૂપિયાનો વેરો બાકી
અંબાજી ખાતે ગામમાં નાના વેપારીઓ પાસે કડક કાર્યવાહી કરતી ગ્રામ પંચાયત મોટા માથા સામે પણ કડક કાર્યવાહી હાથ ધરી તેમની મિલ્કતો સીલ કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે. અંબાજી ખાતે આવી કામગીરી દરમિયાન નાના વેપારીઓ ભોગ બનતા હોય છે. અને મોટી માછલીઓ છટકી હતી હોય છે.
આ પણ વાંચો : પાલનપુર : વાવના માડકા નજીક કેનાલમાં 10 ફૂટનું પડ્યું ગાબડું, એરંડાનો પાક થયો ગરકાવ