જ્ઞાનવાપી મસ્જિદ કેસ: હિન્દુ પક્ષના દાવા સામે મુસ્લિમ પક્ષે વાંધો ઉઠાવ્યો
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ અંગે વારાણસી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી શરૂ થતાંની સાથે જ અંજુમન ઇન્સાંજરિયા મસ્જિદ કમિટિ વતી દલીલો કરવામાં આવી હતી. મુસ્લિમ પક્ષે પોતાની દલીલોમાં કહ્યું હતું કે આ સમગ્ર મામલાને નકારી દેવો જોઈએ. મુસ્લિમ પક્ષે હિન્દુઓના દાવા સામે વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે કેસની સુનાવણી 4 જુલાઈ સુધી મુલતવી રાખી છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા 26 મેના રોજ પણ મુસ્લિમ પક્ષ તરફથી ઘણી દલીલો આપવામાં આવી હતી, જેમાં કેસને રદ્દ કરવાની વાત કરવામાં આવી હતી. આ દરમિયાન મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષની અરજીને ફગાવી દેવાની માંગણી કરી હતી અને એવો પણ દાવો કર્યો હતો કે જ્ઞાનવાપી સંકુલમાં શિવલિંગ નહીં પણ વુઝુખાનાનો ફુવારો છે. આ ઉપરાંત આ દરમિયાન કોર્ટમાં ‘પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ’ પર પણ ચર્ચા થઈ હતી.
27 મેના રોજ, વારાણસી જિલ્લા અદાલતે આ મુદ્દે સુનાવણી કરી હતી કે શું સર્વે રિપોર્ટ અને વીડિયોગ્રાફી સાર્વજનિક કરવી જોઈએ. આ વિષય પર હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોના અભિપ્રાય અલગ હતા. જ્ઞાનવાપી મસ્જિદ કમિટીએ કોર્ટને વિનંતી કરી છે કે સર્વેના ફોટોગ્રાફ્સ અને વીડિયોને સાર્વજનિક કરવા દેવામાં ન આવે. તો, બીજી તરફ હિન્દુ પક્ષે મુસ્લિમ પક્ષની દલીલનો વિરોધ કર્યો હતો. જે બાદ વારાણસી જિલ્લા અદાલતે આદેશ આપ્યો હતો કે 30 મેના રોજ બંને પક્ષકારોને વીડિયો અને ફોટો આપવામાં આવે.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે દિલ્હીની રહેવાસી રાખી સિંહ અને અન્ય ચાર મહિલાઓએ શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા કરવાની પરવાનગી અને પરિસરમાં સ્થિત વિવિધ દેવી-દેવતાઓની સુરક્ષા માટે આદેશ આપવા માટે અરજી દાખલ કરી હતી. આ અંગે સિવિલ જજ (સિનિયર ડિવિઝન) રવિ કુમાર દિવાકરની કોર્ટે 26 એપ્રિલે આદેશ જારી કર્યો હતો અને જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી સંકુલનો વીડિયોગ્રાફી સર્વે 10 મે સુધીમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આ માટે કોર્ટ કમિશનર તરીકે અજય મિશ્રાની નિમણૂક કરી હતી. સર્વેની કાર્યવાહી 6 મેના રોજ શરૂ થઈ હતી, જે હંગામાને કારણે 7 મેના રોજ અટકાવવામાં આવી હતી. સર્વે કરવા આવેલા કોર્ટ કમિશનર અને વાદીનો મુસ્લિમ પક્ષે વિરોધ કરવામાં આવ્યો હતો. 9 મેના રોજ, મુસ્લિમ પક્ષે કોર્ટ કમિશનરની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવ્યા અને તેમને હટાવવાની માંગ કરી. આ અંગે કોર્ટમાં ત્રણ દિવસ સુધી ચર્ચા ચાલી અને ત્યારબાદ 12 મેના રોજ વારાણસીની કોર્ટે કોર્ટ કમિશનર અજય મિશ્રાને હટાવવાની અરજી ફગાવી દીધી હતી. આ સાથે વિશાલ સિંહને સ્પેશિયલ કોર્ટ કમિશનર અને અજય પ્રતાપ સિંહને આસિસ્ટન્ટ કોર્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદની અંદર પણ વીડિયોગ્રાફી કરવામાં આવશે. જે બાદ જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.