લાઈફસ્ટાઈલ
Trending

અમદાવાદની લાઇફલાઇન:ઓગસ્ટ 2022માં વસ્ત્રાલ, થલતેજ અને મોટેરા સુધી મેટ્રો દોડતી થશે, 40 કિ.મી.ના બંને કોરિડોરનું કામ પૂર્ણતાને આરે

  • દિવાળીના તહેવારમાં 16 હજાર લોકોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી
  • સાબરમતી રેલવે સ્ટેશને 7 રેલવે-ટ્રેકની પર’ ઓપન વેબ ગર્ડર’ મૂકવામાં આવ્યું હતું
  • અંડરગ્રાઉન્ડ ટનલ ખોદવાનું કામ પૂર્ણ થઈ ગયું અને રેલવે-ટ્રેક પણ પાથરી દેવાયાં

અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારમાં મેટ્રો ટ્રેન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. દિવાળીના પાંચ દિવસમાં 16 હજારથી વધુ લોકોએ વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી દોડતી મેટ્રો ટ્રેનની સવારી કરીને મજા માણી હતી. શહેરમાં હજી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આવનારા 2022ના વર્ષમાં ઓગસ્ટ માસમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. આ માટે હાલમાં મેટ્રો રેલના કર્મચારીઓ દ્વારા દિવસરાત કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ, મોટા ભાગની કામગીરી પૂર્ણતાને આરે છે.

40 કિ.મી. લાંબી મેટ્રો રેલ સેવાની ભેટ મળશે
દેશની આઝાદીનાં 75 વર્ષ નિમિત્તે સ્માર્ટસિટીને 40 કિ.મી.લાંબી મેટ્રો રેલ સેવાની ભેટ આપવામાં આવશે. આવતા ઓગસ્ટ માસમાં શહેરીજનો અમદાવાદના એક છેડેથી બીજા છેડે જવા માટે મેટ્રો ટ્રેન સેવાનો લાભ લઇ શકશે. મેટ્રો રેલ પ્રોજેક્ટ ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરીને મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડતી કરી દેવાશે. એ ધ્યેય સાથે તાજેતરમાં જ સાબરમતી રેલવે સ્ટેશને 7 રેલવે-ટ્રેકની ઉપર’ ઓપન વેબ ગર્ડર’ મૂકવામાં આવ્યું હતું. આ વેબ ગર્ડર 73 મીટર લાંબું,12 મીટર પહોળું તથા 18500 HSFG બોલ્ટ્સ દ્વારા એકસાથે બાંધવામાં આવેલા 550 મેટ્રિક ટન કરતાં વધુ સ્ટીલ મેમ્બરોથી બનેલું છે. ગર્ડરનું કુલ વજન 850 મેટ્રિક ટન છે.

દિવાળીના તહેવારમાં 16 હજાર લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી.
દિવાળીના તહેવારમાં 16 હજાર લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી.

નોર્થ-સાઉથ કોરિડોરમાં 15 સ્ટેશન છે
મોટેરા સ્ટેડિયમથી વાસણા APMC સુધીના 18.87 કિ.મી.લાંબા નોર્થ-સાઉથ કોરિડોરમાં 15 સ્ટેશન છે. સાબરમતી, એઇસી, સાબરમતી રેલવે સ્ટેશન, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, ઓલ્ડ હાઇકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રેયાંશ ક્રોસિંગ, રાજીવનગર અને જીવરાજ સ્ટેશન રહેશે. ઇસ્ટ-વેસ્ટ કોરિડોરની લંબાઇ 21.16 કિ.મી. છે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો કોરિડોર છે, એમાં 17 સ્ટેશન છે. નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઇવાડી, એેપરલ પાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર, ઓલ્ડ હાઇકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ સ્ટેશન વગેરે સ્ટેશનો રહેશે.

સાબરમતી સ્ટેશન પર મૂકવામાં આવેલા ઓપન વેબ ગર્ડર.
સાબરમતી સ્ટેશન પર મૂકવામાં આવેલા ઓપન વેબ ગર્ડર.

6.6 કિ.મી.નો અંડરગ્રાઉન્ડ રૂટ બની ગયો
એપરલ પાર્કથી શાહપુર સુધી 6.6 કિ.મી.નો અંડરગ્રાઉન્ડ રૂટ બની ગયો છે. કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર સ્ટેશન અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. હાલમાં અંડરગ્રાઉન્ડ ટનલ ખોદવાનું કામ પૂર્ણ થઇ ગયું છે. રેલવે-ટ્રેક પણ પાથરી દેવાયાં છે અને છેલ્લો ટચ અપાઇ રહ્યો છે. સાબરમતી નદી પરથી પણ મેટ્રો બ્રિજ પસાર થશે, જે હાલમાં બની ગયો છે. 298 મીટર લાંબો આ બ્રિજ અત્યાધુનિક પદ્ધતિથી બનાવાયો છે, જેમાં 1050 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. 5500 ક્યૂબિક મીટર ક્રોન્ક્રીટ વપરાયું છે. 6 પિલ્લર પર આ બ્રિજ ઊભો છે. 38.2 મીટરથી લઇને 43.8 મીટર સુધીનાં પિલ્લર છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને આ બ્રિજ જોડે છે. અમદાવાદમાં હાલમાં મેટ્રો રેલની કામગીરીને છેલ્લો ટચ અપાઇ રહ્યો છે.

4થી 10 નવેમ્બર સુધી મેટ્રો ટ્રેનમાં આટલા લોકોએ મુસાફરી કરી

તારીખ મુસાફરો
4 931
5 1994
6 2980
7 3329
8 3223
9 2094
10 1710
મેટ્રો ટનલ જમીનથી 18 મીટર નીચે બનાવવામાં આવી છે. મુસાફરોની સલામતી માટે ટનલમાં 250 મીટર અંતરે ટનલ ક્રોસ પેસેજ સાથે જોડવામાં આવ્યું છે.
મેટ્રો ટનલ જમીનથી 18 મીટર નીચે બનાવવામાં આવી છે. મુસાફરોની સલામતી માટે ટનલમાં 250 મીટર અંતરે ટનલ ક્રોસ પેસેજ સાથે જોડવામાં આવ્યું છે.

અમદાવાદ મેટ્રો ટ્રેનની 2003થી અત્યારસુધીની કામગીરી

  • 2003માં મેટ્રો ટ્રેન માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ રચાયું
  • 2005માં ગુજરાત સરકારે મેટ્રો રેલનો પ્રોજેક્ટ રિપોર્ટ મૂકતાં કેન્દ્ર સરકારે મંજૂરી આપી
  • 2005માં પ્રોજેક્ટને પડતો મૂકી BRTS બસ સર્વિસને અગ્રતા આપી
  • 2010માં ગુજરાત મેટ્રો રેલ રેલ કોર્પોરેશન નવું નામકરણ કરાયું
  • 2014માં ઓક્ટોબરમાં ફરી કેન્દ્ર સરકારે ફેઝ-1 માટે મેટ્રો પ્રોજેક્ટ મંજૂર કર્યો
  • 2015માં 14 માર્ચે ફેઝ–1ની કામગીરીનો આરંભ થયો
  • 2018માં ડિસેમ્બરના અંતમાં મુ્ન્દ્રા પોર્ટ પર 3 કોચ ઉતારાયા
  • 2019માં 28 ફેબ્રુઆરીએ મેટ્રો ટ્રેનના 28 કિમીના ફેઝ–2ની કેન્દ્ર સરકારે મંજૂરી આપી
  • 2019માં 4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીની મેટ્રો ટ્રેન સેવાને લીલીઝંડી આપી મુસાફરી કરી
  • 2019માં 6 માર્ચથી જાહેર જનતા માટે 6.5 કિમીની વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના રૂટની મેટ્રો ટ્રેન શરૂ થઈ
  • 2020માં જાન્યુઆરીથી ફેઝ-2ની મેટ્રો રૂટ પર કન્સ્ટ્રક્શન કામગીરી શરૂ થઈ
  • 2020માં 28 ઓગસ્ટે એપરલ પાર્કથી શાહપુર સુધીની અંડરગ્રાઉન્ડ ડબલ ટનલનું ખોદકામ પૂર્ણ
  • 2020માં કોરાનાને કારણે માર્ચમાં મેટ્રો ટ્રેન ચલાવવાનું બંધ કરવામાં આવ્યું
  • 2020માં 7 સપ્ટેમ્બરથી ફરી કોરોના ગાઈડલાઈન્સ મુજબ મેટ્રો ટ્રેન શરૂ કરાઈ
  • 2021માં મોદીએ અમદાવાદ મેટ્રો ફેઝ-2 અને સુરત મેટ્રોનો શિલાન્યાસ કર્યો હતો
Back to top button