હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસથી થઇ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. ત્યારે ત્યાંની જ ઠંડીની અસરને કારણે ગુજરાતના વિવિધ શહેરોના તાપમાનમાં સતત ઘટાડો થતાં સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. નલિયાનું લઘુત્તમ તાપમાન બે દિવસમાં 11 ડિગ્રી જેટલું ઘટી 12 વર્ષ પછી ઠંડી 1.4 ડિગ્રીએ પહોંચી જતા રેકોર્ડ બ્રેક અને કાતિલ ઠંડીનો અહેસાસ કર્યો હતો.
સૌથી નીચું લઘુત્તમ તાપમાન માઈનસ 7 ડિગ્રી નોંધાયું
અમદાવાદ 10, ભુજ 7.6, વલસાડ 5.9, નર્મદા 6.6 અને પાટણ 6.7 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં બે દિવસ કોલ્ડ વેવની વકી છે. લોકોએ ઠંડીથી બચવા વહેલી પરોઢે અને મોડી રાત્રે ઘરમાં જ પુરાઇ રહેવાનુ પસંદ કર્યુ છે. થોડા દિવસોના આરામ બાદ શિયાળા પાછો જામ્યો છે. ત્યારે આબુમાં તાપમાન માઇનસ સાત ડિગ્રી સુધી પહોંચ્યું છે. આશરે 20 વર્ષ પહેલા સૌથી નીચું લઘુત્તમ તાપમાન માઈનસ 7 ડિગ્રી નોંધાયું હતું.
આબુના મેદાનો સહિત નક્કીલેકમાં બરફ જામ્યો
નવ દિવસ પછી ફરી એક વાર રવિવારે માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ સાત ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જેને લઈને આબુ થીજી ગયું હતું અને જ્યાં જુઓ ત્યાં બરફ્ જોવા મળ્યો હતો જોકે બરફ્ની પતળી પરત નહીં પરંતુ ફ્રિઝમાં જામે તે પ્રકારનું બરફ્ મેદાની પ્રદેશો અને અન્ય જગ્યાએ જામી ગયો હતો જેનો આનંદ સહેલાણીઓ ઉઠાવ્યો હતો. આબુના મેદાનો સહિત નક્કીલેકમાં પાર્ક કરાયેલી ગાડીઓ, નળના પાણી, કારની છત, બોટમાં પાણી પર બરફ્ જમા થયેલો જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ લગભગ આશરે 20 વર્ષ પહેલા સૌથી નીચું લઘુત્તમ તાપમાન માઈનસ 7 ડિગ્રી નોંધાયું હતું.
સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં બે દિવસ કોલ્ડ વેવની વકી
બીજી તરફ્ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ 19 તારીખ સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે.આગામી 24 કલાક દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કોલ્ડ વેવની વકી છે. ગુજરાત સહિત દેશભરમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં પણ પારો કકડભૂસ થયો છે. અહીં ફરી એક વખત પારો માઇનસમાં પહોંચ્યો હતો. જેના કારણે સહેલાણીઓએ પણ ઠંડીથી બચવા રૂમમાં જ પુરાઇ રહેવાનુ પસંદ કર્યું હતું. ઉત્તરીય પર્વતીય ભાગોમાં સતત હિમવર્ષા થઇ રહી છે. હજુ કેટલાક દિવસો આવી ઠંડી જારી રહેવાની વકી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં બે દિવસ કોલ્ડ વેવની વકી છે.