ભારત રશિયા પાસેથી દરરોજ 10 લાખ બેરલ ક્રૂડ ઓઈલની કરે છે આયાત, જાણો કોને પાછળ છોડયું

ભારતની રશિયામાંથી ડિસેમ્બર 2022માં ક્રૂડ ઓઈલની નિકાસ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. ભારત રશિયા પાસેથી સતત ક્રૂડ ઓઈલની આયાત કરી રહ્યું છે. પરંતુ ડિસેમ્બર 2022માં આયાતનો આંકડો રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો હતો. એનર્જી કાર્ગો ટ્રેકર વોર્ટેક્સાના ડેટા અનુસાર, ભારતે ડિસેમ્બર 2022માં પ્રથમ વખત રશિયા પાસેથી દરરોજ 1 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી છે. રશિયાએ માત્ર ડિસેમ્બરમાં જ ભારતને દરરોજ 1.19 લાખ બેરલ ક્રૂડ ઓઈલ સપ્લાય કર્યું છે.
જૂનમાં રેકોર્ડ બન્યો હતો
અગાઉ, રશિયાથી સૌથી વધુ ક્રૂડ ઓઇલની આયાતનો રેકોર્ડ જૂન 2022માં બન્યો હતો, જ્યારે ભારતે દરરોજ 9,42,694 બેરલ ક્રૂડ ઓઇલની ખરીદી કરી હતી. રશિયામાંથી ક્રૂડની આયાત ભારતની કુલ આયાતમાં 25 ટકા છે. જ્યારે યુરોપિયન યુનિયન અને યુએસએ રશિયન દરિયાઈ તેલ પર ભાવ મર્યાદા લાદી હતી ત્યારે પણ ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કરવાનું ચાલુ રાખ્યું હતું.

ભારત ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ છે
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલનો વપરાશ અને આયાત કરતો દેશ છે. તે તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતના 85 ટકા આયાત કરે છે. રિફાઈનરીઓમાં ક્રૂડ ઓઈલ પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણમાં રૂપાંતરિત થાય છે પછી તે ઈંધણના રૂપમાં લોકો સુધી પહોંચે છે. વોર્ટેક્સાના ડેટા અનુસાર, ભારતે ડિસેમ્બરમાં ઇરાક પાસેથી દરરોજ 8,03,228 બેરલ ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું. સાઉદી અરેબિયામાંથી 7,18,357 બેરલ ક્રૂડ ઓઇલ, સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી 3,23,811 બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરવામાં આવી છે.
અમેરિકાએ ટીકા કરી હતી
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પછી ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની આયાત કરવાનું શરૂ કર્યું. યુક્રેન પર હુમલા બાદ અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ રશિયા પર વિવિધ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. તેના તેલ પર ભાવ મર્યાદા લાદીને આ દેશોએ રશિયાને આર્થિક રીતે નબળું પાડવાનો પ્રયાસ કર્યો છે. ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે તે અમેરિકાને પસંદ નથી. અમેરિકી રાષ્ટ્રપતિએ પણ તેની ટીકા કરી હતી. પરંતુ ભારતે રશિયા પાસેથી તેલ આયાત કરવાનું બંધ કર્યું નથી. અમેરિકા સહિતના પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવા છતાં ભારત રશિયા પાસેથી રાહત ભાવે જંગી માત્રામાં ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે. ભારત આ ક્રૂડ ઓઈલને રિફાઈન કરીને મોંઘા ભાવે પશ્ચિમી દેશોમાં નિકાસ કરી રહ્યું છે.
રશિયા-યુક્રેન સંઘર્ષ પહેલા ભારતની ક્રૂડ બાસ્કેટ
રશિયા-યુક્રેન સંઘર્ષ પહેલા ભારતીય ક્રૂડ બાસ્કેટમાંથી 60 ટકાથી વધુ મધ્ય પૂર્વના દેશોમાંથી આયાત કરવામાં આવતું હતું. ઉત્તર અમેરિકન ક્રૂડનો બાકીનો હિસ્સો લગભગ 14 ટકા, પશ્ચિમ આફ્રિકન ક્રૂડ લગભગ 12 ટકા, લેટિન અમેરિકન ક્રૂડ 5 ટકા અને રશિયન ગ્રેડ 2 ટકા ભારતની ક્રૂડ ઓઈલ બાસ્કેટ બનાવે છે. વોર્ટેક્સા અનુસાર, ભારતે ડિસેમ્બર 2021માં રશિયા પાસેથી પ્રતિ દિવસ માત્ર 36,255 બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. તે જ સમયે, ઇરાકથી દરરોજ 1.05 લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરવામાં આવી હતી, જ્યારે ભારતે ડિસેમ્બર 2021માં સાઉદી અરેબિયામાંથી પ્રતિ દિવસ 9,52,625 બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી.