એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝનેશનલ

GPSCમાં ટોપ કરનાર GAS જયવીર ગઢવીએ UPSCની પરીક્ષા કરી પાસ

Text To Speech

અમદાવાદઃ આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનનું (UPSC) ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. યુપીએસસીના જાહેર થયેલા પરિણામમાં શ્રૃતિ શર્માને પ્રથમ રેન્ક મળ્યો છે. ત્યારે સ્પીપા અમદાવાદ ખાતે અભ્યાસ કરનારા 6 વિદ્યાર્થીઓએ પણ આ પરીક્ષા પાસ કરી છે.  તેમાં કચ્છના માંડવી તાલુકાના નાના એવા વિંગડિયા ગામના યુવાન જયવીર ગઢવીનો પણ સમાવેશ થાય છે. તેઓએ GPSCમાં સમગ્ર રાજ્યમાં ટોપ કર્યું હતુ. હવે UPSCની સિવિલ સર્વિસ પરીક્ષા પણ પાસ કરી છે. જયવીરે 25 વર્ષની ઉંમરે 341નો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો છે. જયવીર ગઢવીની આઈએએસ બનવાની ઈચ્છા છે.

વડોદરા જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે હાલમાં જયવીર ગઢવી ફરજ બજાવે છે. ધો.1થી 5 સુધીનો અભ્યાસ પોતાના ગામની જ પ્રાથમિક શાળામાંથી કર્યા પછી તેમણે ધો.6થી 10નો અભ્યાસ કચ્છની નવોદય વિદ્યાલયમાં કર્યો હતો. તેમણે ધો.11 અને 12 સાયન્સનો અભ્યાસ રાજકોટમાં કર્યો હતો. જેમાં બહું સારા ગુણ આવવાથી તેમને સુરતની NITમાં એડમિશન લીધું. એનઆઈટીમાંથી તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી.

આ યુવાનના પિતા ભરતદાન ગઢવી આસપાસનાં ગામોમાં રિક્ષા-છોટાહાથીના મદદથી નમકીન -ફરસાણનું વેંચાણ કરે છે. વીંગડિયાના વતની આ પરિવાર અત્યારે દહિંસરા રહે છે. સંઘર્ષમાં જીવન જીવતા આ પરિવારના સૌથી નાના પુત્ર જયવીરે પરીક્ષા પાસ કરીને પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે. તેમના પિતા ભરતદાનભાઈ, માતા સરોજબેન બંને ચાર ચોપડી ભણેલા છે. આ દંપતિને ચાર સંતાન. તેમાં મોટી પુત્રી રાજલ ટીચર છે. બીજી પુત્રી નીતાબેન પણ જીપીએસસી પરીક્ષા પાસ કરીને આર્યુવેદ મેડિકલ ઓફિસર ક્લાસ-2 બન્યા છે જ્યારે મોટા પુત્ર અનિલ ગઢવી તેમના પપ્પાને ધંધામાં મદદ કરે છે. સૌથી નાનો જયવીર છે. જયવીરે સુરતની કોલેજમાંથી મિકેનિકલ અન્જિનિયરિંગ કર્યુ છે. જયવીરને અમેરિકન કંપનીમાં જોબ મળી ગઈ. ત્યાં પેકેજ ઘણું સારું હતું. તેણે ત્યાં દસ મહિના જ નોકરી કરી. એન્જિનિયરિંગ કર્યું, જોબ મળી ગઈ, સારું પેકેજ હતું તો પછી યુપીએસસી બાજું કેમ વળ્યા ? એવું પૂછતા જયવીરે કહ્યું કે, મને થયું કે, કમ્પ્યુટર સામે બેસીને જ જિંદગી કાઢવાની ? સમાજ માટે, દેશ માટે કાંઈ કરી શકાય એ માટે મેં દિલ્હીમાં રહીને યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી. હું ઓનલાઈન કોચિંગ લેતો હતો પરંતુ તે દરમિયાન જીપીએસસીની પરીક્ષા આવી એટલે એ આપવાનું નક્કી કર્યું. યુપીએસસીની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી ? જયવીર કહે છે કે, હું યુપીએસસીની તૈયારી કરતો હતો, તેમાં જીપીએસસીની તૈયારી પણ થઈ જતી હતી.

જયલા લાલબત્તી વાળી ગાડી લઈને ગામમાં આવજે
જયવીર ગઢવી કહે છે કે, મારા મોટાબાપુ પિંગળશીભાઈ ગઢવી હતા. તે મને જયલા કહેતા, નાનપણથી જ મને એવું કહેતા કે જયલા એકવાર લાલબત્તીવાળી ગાડીમાં તું ગામમાં આવજે. આજે તેઓ નથી. 2015માં મોટા બાપુનું નિધન થયું છે પરતું અત્યારે તેઓ હાજર હોત તો મારી પ્રગતી જોઈને ખૂબ જ ખુશ થાત !

જયવીરની સક્સેસ ફોમ્યુઁલા
જયવીર કહે છે કે, જેઓ તૈયારી કરે છે, તેમને એટલું અવશ્ય કહીશ કે, તમે બુક્સ વાંચજો. તે જ તમને અધિકારી બનાવી શકશે. તમારો મૂળ હેતુ ક્લિયર હોવા જોઈએ અને પછી એની પાછળ પ્રામાણીક પણે મહેનત કરવી જોઈએ. સૌને મારા તરફથી Best of Luck.

Back to top button