દિલ્હી કંઝાવલા કેસમાં 4 આરોપીઓએ દારૂ પીધો હતો ? FSL રિપોર્ટમાં ખુલાસો
દિલ્હીના કંઝાવલા કેસમાં FSL રોહિણીએ આરોપીઓના બ્લડ સેમ્પલનો રિપોર્ટ દિલ્હી પોલીસને સોંપ્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ ઘટનાની રાત્રે જ દારૂ પીધો હતો. આ સાથે FSLએ જણાવ્યું કે ઘટના સમયે કારમાં ચાર આરોપીઓ હાજર હતા.
નવા વર્ષના પહેલા જ દિવસે યુવતીની સ્કૂટીને કારે ટક્કર મારી હતી અને આરોપી કારમાં ફસાયેલી છોકરીને સુલતાનપુરીથી કંઝાવલા સુધીના રસ્તા પર લગભગ 12 કિલોમીટર સુધી ખેંચતો રહ્યો, જેના કારણે તેનું મોત થયું હતું.
કોણ છે આરોપી?
દિલ્હી પોલીસે આ કેસમાં 2 જાન્યુઆરીએ દીપક ખન્ના (26), અમિત ખન્ના (25), કૃષ્ણા (27), મિથુન (26) અને મનોજ મિત્તલની ધરપકડ કરી હતી. આ પછી તેના સાથીદારો પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
મૃતક અંજલિની મિત્ર નિધિએ શું કહ્યું?
મૃતક અંજલિ સિંહ સાથે સ્કૂટી પર હાજર નિધિએ જણાવ્યું કે અંજલિએ દારૂ પીધો હતો. આ કારણથી તેની સ્કૂટી ચલાવવા બાબતે ઝઘડો થયો હતો. આ આરોપ પર અંજલિની માતાએ આ તમામ આરોપ ફગાવ્યા હતા.