કેવી રીતે આકાશમાં ઉડે છે પતંગ ? જાણો તેની પાછળનું સાયન્સ!
ઉત્તરાયણ આવે એટલે પતંગરસિયાઓમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે, પરંતુ પતંગ આકાશમાં ઉડે તેની પાછળ પણ વિજ્ઞાન રહેલું છે, પણ પતંગરસિયાઓને આ વિજ્ઞાનથી કોઈ લેવા-દેવા નથી, એમને તો બસ માત્ર ઉત્તરાયણના દિવસે સારી હવા જ જોઈએ, પરંતુ આજે અમે તમને પતંગ પાછળનું સાયન્સ જણાવીશું.
આ પણ વાંચો : પતંગનો ‘ઈતિહાસ’ : રામાયણ-મહાભારત કે ચીનથી શરુ થઈ હતી ઉત્તરાયણ ? શું છે સત્ય ?
કેવી હોય છે પતંગ બનાવવાની પધ્ધતિ ?
સામાન્ય રીતે પતંગ કાગળ કે હળવા કાપડમાંથી બને છે. પરંતુ, હવે તેનું સ્થાન પ્લાસ્ટિકે લીધું છે. પતંગનો મૂળ આકાર એટલે ચતુષ્કોણ કાગળના સામસામેના ખૂણાને જોડે તે રીતે લાકડાની સળી ચોડીને બનાવેલું માળખું. જુદા જુદા દેશોમાં પતંગના જુદા જુદા આકાર જોવા મળે છે પરંતુ પતંગને આકાશમાં ઊડવા માટેનો સિદ્ધાંત એક સરખો જ છે.
આ છે પતંગ આકાશમાં ઉડવા પાછળનું સાયન્સ
વહેતો પવન પતંગની બંને સપાટી પરથી પસાર થાય છે. જ્યારે સપાટીની નીચે પવનનું દબાણ વધે ત્યારે તે ઉપરની દિશામાં ધકેલાય છે. પવન તેને ક્ષિતિજ તરફ પણ ખેંચે છે. પતંગના બે ખૂણા લાકડાની પાતળી સળી વડે જોડાયેલા હોય છે. ઊભી સળીને ઢઢ્ઢો કહે છે જ્યારે આડી અર્ધગોળાકાર સળીને કમાન કહે છે. ઢઢ્ઢાની બંને તરફના ખૂણાનું અંતર સરખું હોય છે. અને વચ્ચે કિન્ના બાંધેલી હોવાથી બંને તરફ સરખું દબાણ લાગે છે. પતંગની પૂંછડી સુકાનનું કામ કરે છે. શોખીનો પોતાની આવડત મુજબ પવનને કાબૂમાં રાખે છે. લાંબી પૂંછડીવાળા પતંગ આકાશમાં વધુ સ્થિર રહે છે. પતંગની ડિઝાઈન પક્ષીઓ કે ઊડતા જંતુઓના આકારની બનતી હોય છે.
પતંગ માટે સૌથી અગત્યની છે એની કિન્ના
કિન્ના બાંધવા પતંગની સળી લાગેલી હોય એની પાછળની બાજુએ ઉપર ક્રોસમાં 2 અને નીચે ઢઢ્ઢાની સપોર્ટ પટ્ટી પાસે બે એમ ચાર કાણાં પાડવાં પડે. ડબલ દોરી કરી ઉપર ત્રણ અને નીચે ત્રણ ગાંઠ બાંધી બરાબર શૂન્ય-શૂન્યની કિન્ના બાંધવી પડે, જેથી ગમેતેવા પવનમાં પણ પતંગ સ્થિર રહી શકે.