બનાસકાંઠામાં સવારના 7 પહેલાં અને રાત્રે 8 વાગ્યા પછી ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા પર ફરમાવ્યો પ્રતિબંધ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં એવું ધ્યાન ઉપર આવેલ છે કે, જિલ્લામાં શહેરી વિસ્તારમાં વહેલી સવારના ટ્યુશન ક્લાસીસમાં વિધાર્થીઓ અભ્યાસ કરવા જાય છે. આ ટ્યુશન ક્લાસમાં જતા વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓની એકલતાનો લાભ લઇ અપહરણ અને હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનાઓ બને છે. ભવિષ્યમાં પણ આવા ગંભીર પ્રકારના ગુના બને તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો : પાલનપુર બસ પોર્ટમાં મુસાફરોને બેસવાના સ્ટીલના બાંકડા ગાયબ
આવા ગંભીર બનાવોના કારણે જાહેર સલામતિ અને શાંતિ જોખમાય છે. જેથી જાહેર સલામતિ તેમજ છાત્રોના હિતમાં જિલ્લા કલેકટર આનંદ પટેલે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 ની કલમ-144 અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે-7 વાગ્યા પહેલાં અને રાત્રે 20.00 વાગ્યા પછી શૈક્ષણિક ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ તા.10 જાન્યુ. 2023 થી તા.09 ફેબ્રુ. 2023 સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં બરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક. 188 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.