શતાબ્દી મહોત્સવ : દિલ્હી અને ગાંધીનગરના અક્ષરધામ મંદિરોનું જાણો મહત્વ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આજે અક્ષરધામ દિન અંતર્ગત દિલ્હી અને ગાંધીનગર ખાતે નિર્માણ પામેલા અક્ષરધામ મંદિરોની ચર્ચા કરવામાં આવી હતી. જેને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા ભારતીય સંસ્કૃતિના અભૂતપૂર્વ સીમાચિહ્નો ગણવામાં આવી રહ્યા છે. 2 નવેમ્બર, 1992 માં યોગી શતાબ્દી અવસરે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે ગાંધીનગર અક્ષરધામની વિશ્વને ભેટ ધરી હતી. જ્યારે કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે 6 નવેમ્બર, 2005માં માત્ર પાંચ વર્ષમાં 100 એકરમાં ફેલાયેલા ભારતીય સંસ્કૃતિના ગૌરવતિલક સમા દિલ્લીના સ્વામિનારાયણ અક્ષરધામનું લોકાર્પણ કર્યું હતું. જે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. કલામ, પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંઘ અને વિપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણી ઉપસ્થિત રહ્યા હતા.
દિલ્હીનું અક્ષરધામ વિશ્વનું સૌથી મોટું હિન્દૂ મંદિર
દિલ્લી અને ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરોમાં અત્યાર સુધી 193 દેશોના દસ કરોડ કરતાં વધુ દર્શનાર્થીઓ આવ્યા છે. 2007માં બી. એ. પી. એસ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા દિલ્લીના અક્ષરધામને ‘વિશ્વના સૌથી મોટા સર્વાંગસંપૂર્ણ હિન્દુ મંદિર’ તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 2010માં દિલ્લી ખાતે અક્ષરધામ પરિસરમાં પ્રમુખસ્વામી મહારાજે ‘બી. એ. પી. એસ. સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના કરી હતી. ત્યારે જ વિશ્વના આધ્યાત્મિક સંદેશ આધારિત સર્વ પ્રથમ ‘ સત્ – ચિત્ – આનંદ વૉટર શો’ નું ગાંધીનગર અક્ષરધામમાં ઉદ્ઘાટન થયું હતું. ઉપરાંત 2014માં દિલ્લી અક્ષરધામમાં કેનોપનિષદના કથાનક દ્વારા સર્વકર્તાહર્તા પરમાત્માની શક્તિનું નિદર્શન કરતા ‘સહજાનંદ વૉટર શો’ નું ઉદ્ઘાટન થયું હતું.
દિલ્હીનું મંદિરે 21મી સદીના સાત અજાયબીઓમાં સ્થાન મેળવ્યું
2011માં દિલ્લી અક્ષરધામને રીડર્સ ડાઈજેસ્ટ દ્વારા 21 મી સદીની સાત અજાયબીઓમાં સ્થાન અપાયું હતું. 2011માં અમેરિકામાં ન્યૂજર્સી ખાતે રચાઇ રહેલા ભવ્ય ‘સ્વામિનારાયણ અક્ષરધામ’ મહામંદિરનો પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે શિલાન્યાસ વિધિ થઈ હતી. 2014માં અમેરિકામાં ન્યૂજર્સી ખાતે રચાઇ રહેલા ભવ્ય ‘સ્વામિનારાયણ અક્ષરધામ’ મહામંદિર પરિસરમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થઈ હતી.
આતંકી હુમલા અને કોવિડ સમયનું વલણ અને કાર્યો સરાહનીય
2002માં અક્ષરધામ પર આતંકી હુમલા સમયે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે દાખવેલા શાંતિ, સ્થિરતા અને સૌહાર્દયુક્ત વલણને સમગ્ર વિશ્વમાં ‘અક્ષરધામ રિસ્પોન્સ’ તરીકે આદરથી જોવાય છે. કોવિડ મહામારીમાં સમગ્ર ઉત્તર ભારતમાં દિલ્લીના સ્વામિનારાયણ અક્ષરધામ દ્વારા 32 સંતો અને 1000 સ્વયંસેવકો દ્વારા વ્યાપક સ્તરે રાહતકાર્યો હાથ ધરાયાં હતાં. અક્ષરધામના નેજા હેઠળ ઑક્સીજન કોન્સનટ્રેટર્સ, માસ્ક, વેકસીનેશન, કાઉન્સેલિંગ, ગરમ ભોજન, ફ્રી મેડિકલ કન્સલ્ટેશન વગેરે દ્વારા રાહત પહોંચાડવામાં આવી હતી.
દિલ્હીનું મંદિર બાપાની 32 વર્ષની અપાર ધીરજ અને કઠોર પુરુષાર્થનું પરીણામ
આજની સંધ્યા સભામાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુરુ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના યમુના કિનારે મંદિર બનાવવાના સંકલ્પને પ્રમુખસ્વામી મહારાજે 32 વર્ષની અપાર ધીરજ અને કઠોર પુરુષાર્થ દ્વારા સાકાર કર્યો હતો. આ ઉપરાંત બી.એ.પી.એસના પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખચરિતમ’ વ્યાખ્યાનમાળામાં જણાવ્યું હતું કે, “નગરના પ્રવેશમાં માળા કરતી પ્રમુખસ્વામી મહારાજની હસ્તમુદ્રા એ પ્રમુખસ્વામી મહારાજની ભજનાનંદી શૈલીનો પરિચય કરાવે છે. સંત દ્વાર પ્રમુખસ્વામી મહારાજની સર્વધર્મ પ્રત્યેની ઉદારતા અને સમભાવનાનો પરિચય કરાવે છે.
બાપાના જીવનમાં અનાસક્તિ અને આત્મીયતાનો સુભગ સમન્વય જોવા મળતો
મહામૂર્તિ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની પરોપકારની ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે. અક્ષરધામ એ પ્રમુખસ્વામી મહારાજની કલા કુશળતાનું દર્શન કરાવે છે. ‘મહોત્સવ પૂર્ણ પુરુષ કા’ શૉ પ્રમુખસ્વામી મહારાજ એક પૂર્ણ પુરુષ હતા તે દર્શાવે છે. પ્રમુખસ્વામી મહારાજે દેશ પરદેશમાં વિચરણ કર્યું છે, પરંતુ તેમનું મન ભગવાનના ચરણાવિંદમાં જ રહેતું. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં અનાસક્તિ અને આત્મીયતાનો સુભગ સમન્વય જોવા મળતો હતો.
અક્ષરધામના બાંધકામમાં કણ કણમાં બાપાના અમૂલ્ય સૂચનો અને માર્ગદર્શન
આ ઉપરાંત અનેક અગ્રણીઓએ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બી.એ.પી.એસના વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપસ્વામીએ જણાવ્યું હતું કે, “ગાંધીનગર અને દિલ્લી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ પ્રમુખસ્વામી મહારાજનું કલા કુશળતા અને સૂઝના ઉત્તમ ઉદાહરણ છે, કારણકે અક્ષરધામના બાંધકામમાં કણ કણમાં તેમનાં અમૂલ્ય સૂચનો અને માર્ગદર્શન રહેલાં છે, જેમાં અક્ષરધામમાં વપરાયેલો પત્થર હોય કે કળશ, ઘુમ્મટ હોય કે પરિક્રમા, મૂર્તિઓ અને સિંહાસન વગેરે તમામ બાબતોમાં પ્રમુખસ્વામી મહારાજે માર્ગદર્શન આપેલું છે. અક્ષરધામનાં દર્શન કરીને સૌ સ્વીકારે છે કે ભગવાનના આશીર્વાદ અને શક્તિ સિવાય આ કાર્ય શક્ય જ નથી.”
બાપાએ 94 વર્ષે પણ અમેરિકામાં મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું
બી.એ.પી.એસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને ગાંધીનગર તથા દિલ્લી અક્ષરધામ નિર્માણની તથા હાલ નિર્માણાધીન ન્યૂજર્સી અક્ષરધામની મુખ્ય જવાબદારી સંભાળનાર વરિષ્ઠ સંત પૂ. ઈશ્વરચરણ સ્વામીએ જણાવ્યું હતું કે, “યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે ‘યમુના કિનારે મંદિર બનાવવું છે ‘ અને પ્રમુખસ્વામી મહારાજે અથાગ પુરુષાર્થ કરીને એ સંકલ્પ પૂર્ણ કર્યો છે. અમેરિકાના રોબિન્સવિલમાં અક્ષરધામ નિર્માણનો સંકલ્પ પ્રમુખસ્વામી મહારાજે કર્યો હતો અને 94 વર્ષની જૈફ વયે પણ અને નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ અમેરિકા જઈને શિખરબદ્ધ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા અને અક્ષરધામ મંદિરનું ખાત મુહુર્ત કર્યું હતું.
બાપાએ વિશ્વભરમાં હિન્દૂ સંસ્કૃતિનો ડંકો વગાડ્યો
પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરીને સનાતન હિંદુ ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી દીધો છે. અમેરિકામાં આવનારી પેઢીઓને હિન્દુ ધર્મ શું છે અને હિન્દુ સંસ્કૃતિ શું છે તેનો પરિચય રોબિન્સવિલ અક્ષરધામના દર્શન કરીને થશે કારણકે આ અક્ષરધામ હિન્દુ ધર્મનું ગૌરવ અને પ્રતિક બનવાનું છે.” આ તકે રૉબિન્સવિલ, ન્યૂજર્સીના મેયર ડેવિડ ફ્રેડ દ્વારા ન્યૂજર્સીમાં નિર્માણાધીન અક્ષરધામના સર્જન માટે અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિડિયો સંદેશ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.
આજના આમંત્રિત મહેમાનો કોણ હતા ?
આજની સભામાં આમંત્રિત મહાનુભાવોમાં ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી – ભારત સરકાર, ડો. એલ મુરુગન, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયમાં રાજ્ય મંત્રી, અરાગા જ્ઞાનેન્દ્ર, ગૃહ મંત્રી – કર્ણાટક સરકાર માનનીય હ્યુગો જેવિયર ગોબ્બી – ભારતમાં આર્જેન્ટિનાના રાજદૂત, ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, આચાર્ય – સાંદીપનિ આશ્રમ, પૂજ્ય સ્વામી શાંતાત્માનંદજી, સેક્રેટરી રામકૃષ્ણ મિશન, ડો. ચિન્મયભાઈ પ્રણવભાઈ પંડ્યા, અધ્યક્ષ – ઓલ વર્લ્ડ ગાયત્રી પરિવાર, બાબા દવિન્દર સિંહજી, પ્રમુખ – કલગીધર સોસાયટી, બરુ સાહિબ, ડી.આર. કાર્તિકેયન, ભૂતપૂર્વ ડિરેક્ટર – સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), સુનીલ અરોરા – ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર, કે રામાસામી – ચેરમેન – રૂટ્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિ., બ્રિગેડિયર રાજ સીથાપથી – બ્રિગેડિયર – ભારતીય સેના, કિશોર બિયાની – સ્થાપક અને સીઈઓ – ફ્યુચર ગ્રુપ અને સુનિલ હાલી – પ્રમોટર – મીડિયા, માર્કેટિંગ અને એન્ટરટેઇનમેન્ટ ઉપસ્થિત રહ્યા હતા.