કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે ટેકાના ભાવે ખરીદીના સુચારૂ આયોજન માટે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદ કરવા આગામી તા.1 ફેબ્રુઆરીથી એક માસ માટે રાજ્યભરમાં નોંધણી કરાશે તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે. જેમાં રાજ્યભરમાં આગામી 10 માર્ચથી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે.
આ પણ વાંચો:ગુજરાતના નાના ઉદ્યોગકારોને મોટો ફાયદો, ઉદ્યોગ મંત્રીએ કરી મોટી જાહેરાત
ખેડૂતોને તેમના પાકનું પૂરતા પ્રમાણમાં સમયસર વળતર મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પૂરતા પ્રમાણમાં સમયસર વળતર મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો આગામી તા.1 ફેબ્રુઆરી- 2023થી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવશે તેમ આજે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું.
રાજ્ય સરકારે રાજ્ય નોડલ એજન્સીની નિમણૂક પ્રક્રિયા કરી
કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. કૃષિમંત્રી પટેલે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે આ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયેથી રાજ્યભરમાં તુવેરના 135 ખરીદ કેન્દ્રો, ચણાના 187 ખરીદ કેન્દ્રો તેમજ રાયડાના 103 ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી આગામી તા.10 માર્ચ 2023થી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી પ્રતિદિન 125 મણ સુધીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી માટે રાજ્ય સરકારે રાજ્ય નોડલ એજન્સીની નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરી છે.
ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે
ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા તા.1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2023 સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે વી.સી.ઇ.ના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂા.6,6૦૦ એટલે કે પ્રતિ મણ રૂ.1,320 ચણા માટે પ્રતિ ક્વિ. રૂ.5,335 એટલે કે પ્રતિ મણ રૂ.1,067 તેમજ રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂા.5,450 એટલે કે પ્રતિ મણ રૂા. 1,090 નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.