પાલનપુર: ડીસાના ડાવસ અને વિઠોદર ગામનો રોડ સાત મહિનાથી અધૂરો, લોકો ભોગવી રહ્યા છે હાલાકી
પાલનપુર: બનાસકાંઠામાં ડીસા તાલુકાના ડાવસ અને વિઠોદર ગામે છેલ્લા સાત મહિનાથી અધૂરા રોડના કામથી ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અઢી કિલોમીટર સુધી મેટલ પાથર્યા બાદ હજુ સુધી રોડ ન બનતા અહીંથી પસાર થતાં હજારો લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
રોડની કામગીરીને લઈ ગ્રામજનોમાં રોષ
ડીસા તાલુકાના ભડથ રોડથી ડાવસ ગામ તરફ જવાનો માર્ગ અને વિઠોદર થી તાલેપુરા તરફ જવાનો માર્ગ ખૂબ જ ખરાબ હાલતમાં હતો. જેથી ગ્રામજનો સહિત સ્થાનિક આગેવાનોએ વારંવાર રજૂ કર્યા બાદ તંત્ર દ્વારા 7 મહિના અગાઉ આ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે સમયે અહીં અંદાજિત અઢી કિલોમીટર સુધી મેટલ પાથરવામાં આવ્યો હતો.
પરંતુ ત્યારબાદ અચાનક કોન્ટ્રાક્ટરે રોડની કામગીરી બંધ કરી દીધી હતી, અને હજુ સુધી રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. જેના કારણે આ રોડ પરથી પસાર થતા રોજના હજારો લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. મેટલ પાથર્યા બાદ હજુ સુધી રોડ ન બનતા અહીંથી પસાર થતા વાહનચાલકો, પશુપાલકો, શાળાએ જતા બાળકો અને બાઈક ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
જે અંગે સ્થાનિક આગેવાન દેવાભાઈ ચૌધરી અને હિમ્મતભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ મામલે તેઓએ વારંવાર તંત્રમાં રજૂઆત કરી હોવા છતાં પણ તેમની વાત કોઈએ ધ્યાને લીધી નથી, અને તેના કારણે ગ્રામજનોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે, ત્યારે તંત્ર અને કોન્ટ્રાક્ટર તાત્કાલિક અમારા ગામમાં વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરી સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ છે.
આ મામલે ડીસા માર્ગ અને મકાન વિભાગના અધિકારી નો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, અમે રોડ વિલંબ મામલે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે. જલ્દી કામ શરૂ થઈ જશે અને લોકોની સમસ્યાનો અંત આવશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો :પાલનપુર: ડીસામાં વધુ એક કેશર ક્રેડિટ સોસાયટી નું ઉઠામણું