IND vs SL : શ્રીલંકા સામે સતત 10મી વનડે શ્રેણી જીતવાના ઈરાદા સાથે ઉતરશે ભારતીય ટીમ
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી વનડે રમાવવા જઈ રહી છે, આ વન-ડે આજે કોલકત્તાના ઈડન ગાર્ડન ખાતે રમાશે. ભારતીય ટીમ પ્રથમ મેચ જીત્યા બાદ ઉત્સાહિત છે અને શ્રીલંકા સામેની ત્રણ વનડે શ્રેણીમાં આજે ભારતીય ટીમ બીજી વનડે જીતીને 2-0થી અજેય લીડ બનાવવા માંગશે. ટીમ ઈન્ડિયાની આજે સતત 10મી અને એકંદરે 15મી દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતવાના ઈરાદા સાથે શ્રીલંકા સામે ઉતરશે.
આ પણ વાંચો : કોહલીની ‘વિરાટ’ સેન્ચ્યુરી : 73મી સદી સાથે જ સચીનનો રેકોર્ડ તોડ્યો
રોહિત ફટકારી શકે છે સદી
ઉલ્લેખનીય છે કે રોહિતને ઈડન ગાર્ડન્સનું મેદાન અને શ્રીલંકાની ટીમ પસંદ છે, કારણ કે નવેમ્બર 2014માં, રોહિતે આ જ મેદાન પર શ્રીલંકા સામે 173 બોલમાં ODI વર્લ્ડ રેકોર્ડ 264 રન બનાવ્યા હતા.તે મેચમાં ભારતે 404 રન બનાવીને શ્રીલંકા સામે 153 રને વિજય નોંધાવ્યો હતો.
રોહિત છેલ્લા ત્રણ વર્ષથી વનડેમાં સદી ફટકારી શક્યો નથી. તેણે 19 જાન્યુઆરી 2020ના રોજ બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે 119 રનની સદી ફટકારી હતી. આ પછી, તેણે 12 મેચ રમી છે, જેમાં તેના બેટથી ચાર અડધી સદી બની છે, પરંતુ એક પણ સદી ફટકારી શકી નથી. તેથી આજે ક્રિકેટ ચાહકો રોહિત આકર્ષક ઇનિંગ રમશે તેવી અપેક્ષા રાખશે. કેમ કે પહેલી વનડેમાં રોહિતે ગુવાહાટીમાં 67 બોલમાં 83 રન બનાવ્યા હતા.
શ્રીલંકા વળતો પ્રહાર કરવા તૈયાર
ભારતીય ટીમ ભલે પ્રથમ વનડે જીતી ગઈ હોય પરંતુ શ્રીલંકાના ખેલાડીઓ વળતો પ્રહાર કરવા ઈચ્છે છે. કારણ કે ગુવાહાટીમાં 179 રનમાં સાત વિકેટ ગુમાવ્યા બાદ શ્રીલંકાની ટીમ ઓપનર પથુમ નિસાંકા (72)ની અડધી સદી અને કેપ્ટન દાસુન શનાકાના અણનમ 108 રનની મદદથી 8 વિકેટે 306 રન બનાવી શકી હતી. ફાસ્ટ બોલર કસુન રાજિતા અને સ્પિનર વાનિન્દુ હસરંગા ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી ભારતીય બેટ્સમેન, બોલરો અને ફિલ્ડરોએ શ્રીલંકાને પુનરાગમન કરતા રોકવા માટે તેમના શ્રેષ્ઠ દેખાવની જરૂર છે. તાજેતરમાં યોજાયેલી ટી20 શ્રેણીમાં ભારતે પ્રથમ મેચ જીતી લીધી હતી, પરંતુ શ્રીલંકાએ બીજી મેચ જીતીને પુનરાગમન કર્યું હતું. જોકે, ભારતે ત્રીજી મેચ જીતીને સીરીઝ 2-1થી જીતી લીધી હતી.
ટીમ ઈન્ડિયા 17 વર્ષથી દરેક શ્રેણી જીતી રહી છે
2006માં ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી 0-0થી ડ્રો રહી હતી. આ પછી, અગાઉની તમામ નવ શ્રેણી ભારતે શ્રીલંકા સામે જીતી હતી. બીજી તરફ ઈડન ગાર્ડનની વાત કરીએ તો ભારત અને શ્રીલંકા અહીં કુલ પાંચ વનડે રમી ચૂક્યા છે. આમાં ભારતે ત્રણ મેચ જીતી છે, એક મેચ અનિર્ણિત રહી છે. શ્રીલંકાએ એક મેચ જીતી હતી, જે 1996 વર્લ્ડ કપની સેમિફાઇનલ હતી.
Sri Lanka have won the toss and elect to bat first in the 2nd ODI at Kolkata.
A look at our Playing XI for the game.
Live – https://t.co/jm3ulz5Yr1 #INDvSL @mastercardindia pic.twitter.com/DKNDtd6rYT
— BCCI (@BCCI) January 12, 2023
સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.
શ્રીલંકા : દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ (વાઈસ-કેપ્ટન), પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, ચરિત અસલંકા, ધનંજય ડી’સિલ્વા, વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, કસુન રાજિતા, દુનિત વેલાલ્ગે, દિલશાન કુમાર.